આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

 શ્રીરામકૃષ્ણ પુરેપુરૂં જાણતા હતા કે નરેન્દ્ર પૂર્વનો કોઈ યોગભ્રષ્ટ પુરૂષ છે અને ભવિષ્યમાં તે અસાધારણ જીવનમુકત નિવડશે. નરેન્દ્રને જોઈને તેમના હૃદયમાં અનેક લાગણીઓ તરી આવતી અને તે ભાવ સમાધિમાં આવી જતા. કોઈ મનુષ્ય નરેન્દ્રનું ભુંડું બોલે તો શ્રી રામકૃષ્ણ કહેતા કે “નરેન્દ્રને માટે એકદમ કોઈએ અભિપ્રાય બાંધવો નહિ. એને પુરેપુરો હાલ કોઈ ઓળખી શકે તેમ નથી.”

હવે નરેન્દ્ર શ્રીરામકૃષ્ણના પવિત્ર સહવાસમાં દિવસના દિવસ ગાળવા લાગ્યો. શ્રીરામકૃષ્ણ તરફ તેનું ચિત્ત સંપૂર્ણ લાગી રહ્યું અને તે શ્રીરામકૃષ્ણનીજ પાસે બેસી રહીને તેમના મુખ સામું જોયા કરતો. કોઈ કોઈવાર સત્સંગ દરમ્યાન જ વિચારમાં તે એટલો તો લીન થઈ જતો કે તેમનો બોધ તે સાંભળતો નહિ. એક વખત આવું જોઇને શ્રીરામકૃષ્ણ કહેવા લાગ્યા : “મારા દીકરા, મારું કહેવું બરાબર સાંભળ.” નરેન્દ્રે જવાબ આપ્યો: “હું તમને વાતો કરતા સાંભળવાને આવ્યો નથી.” શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યા “ત્યારે તું શું કરવાને આવ્યો છે?” નરેન્દ્રે ઉત્તર આપ્યો “મારું મન તમારા તરફ આકર્ષાય છે, હું તમને અત્યંત ચાહું છું, તેથી હું તમને જોવાને આવ્યો છું.” શ્રી રામકૃષ્ણ તરતજ ભાવ સમાધિમાં આવી ગયા અને પછીથી એકદમ ઉઠીને પોતાના શિષ્યને ભેટી પડ્યા ! જાણે કે પ્રેમપાશની છેલ્લી ગાંઠ બંધાવાની બાકી હોય તેમ છેલ્લી ગાંઠ બંધાઈ ગઈ !

નરેન્દ્રના મનમાં ખાત્રી થઈ કે અગાધ પ્રેમનો આ મહાસાગર છે ! એમની સમીપતા સર્વ તત્વજ્ઞાન કરતાં પણ વધારે છે. તેઓ પોતેજ આધ્યાત્મિક જ્ઞાનની જીવન્ત મૂર્તિ છે ! એવા પ્રતાપી સદ્‌ગુરૂના સમાગમમાં રહીને તેમના આધ્યાત્મિક અનુભવો, ઉપદેશ અને ઓજસનો લાભ લેતા ચાલીને નરેન્દ્ર પોતાનો અભ્યાસ આગળ વધારવા લાગ્યો.