આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૧૭ મું – અભ્યાસી જીવન.

અજ્ઞાનનાં બંધનો મનુષ્યને અહંતા મમતામાં બાંધી લે છે. એ બંધનનું નામજ સંસાર છે. એ બંધનમાંથી છૂટવું સહજ નથી. પ્રથમ તો એ બંધન બંધન તરીકે પણ કોઈકનેજ જણાતું હોઈ ઘણા ખરા મનુષ્યો તો ઉલટું એ બંધનોનેજ સર્વ સુખનું સાધન માની રહ્યા છે. શ્રીરામકૃષ્ણનાં નિશ્ચય, સાધના અને આધ્યાત્મિકતા વજ્ર જેવાં દૃઢ હતાં. તેમણે એ બાબતમાં જે અગાધ સામર્થ્ય દર્શાવ્યું છે તે પણ વજ્ર જેવું દૃઢ છે. ધાર્મિકતાની ફતેહ પરમાત્મ દર્શન-સાક્ષાત્કારમાંજ રહેલી છે. દેહાદિમાં વૃથા અહંતા મમતા રૂપે બંધાયેલાં બંધનોની પાર જવામાં અને પૂરું સચ્ચિદાનંદમય સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાંજ તેની સફળતા અને કૃતકૃત્યતા છે. અનેક તુચ્છ વાસનાઓ, સ્વભાવો અને માન્યતાઓની સામે યુદ્ધ કરવામાં જ મનુષ્ય જીવનનો ખરો પુરૂષાર્થ, મહિમા અને કીર્તિ છે. એ નિરપેક્ષ સ્વાતંત્ર્ય, એ અનુપમ મુક્ત દશા યા મોક્ષ એ સર્વ આ યુદ્ધનાંજ પરિણામ છે. સંસારની સર્વ તુચ્છ વસ્તુસ્થિતિઓથી પર એવું એ પરમપદ પરમાત્મદર્શનમાંજ રહેલું છે. સંસારનાં સુખ અનિત્ય હોવાનું ભાન જ્યારે મનુષ્યને થાય છે ત્યારે જ તે આવું યુદ્ધ પોતાની વાસનાઓ સામે મચાવી મૂકે છે. હજારોમાંથી કોઈકજ આ પ્રમાણેની સમજણ અને સાધના સાધી સાધુ–પવિત્રાત્મા થઈ શકે છે. ઉત્કટ જિજ્ઞાસા, પવિત્ર ચારિત્ર અને બાધક વસ્તુસ્થિતિ પ્રત્યે ત્યાગવૃત્તિ, એ એમાં મુખ્ય હથીયારો છે. સંસારના તુચ્છ પદાર્થો, પ્રપંચો અને મોહજાળની સામે થવામાં નરેન્દ્ર એ અમોઘ હથીયારોનો ઉપયોગ પૂર્ણ સામર્થ્યથી અને દૃઢ નિશ્ચયથી કર્યો હતો.