આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
અભ્યાસી જીવન.

 ગ્રહેલાં સત્ય ઉપર યુવાવસ્થામાં સંશય રૂપી છારી વળી રહી હતી તે શ્રીરામકૃષ્ણની પવિત્ર સંનિધિમાં નાશ પામી અને તેનાં તેજ સત્યો બુદ્ધિ અને તર્કની કસોટિએ ચ્હડી વધારેને વધારે દિવ્ય ભાસવા લાગ્યાં. હવે વખતો વખત પોતાનું અંતઃકરણ અનેક પવિત્ર લાગણીઓથી ઉભરાઈ જતું નરેન્દ્રને ભાસતું અને સમાધિની દશામાં જાણે કે ઘસડાઈ જતું હોય તેમ તેને લાગતું. જ્યારે નરેન્દ્રનો આત્મા આમ ખીલી ઉઠતો ત્યારે તે ભક્તિરસથી પૂર્ણ એવાં ભજનો ઉપરા ઉપરી ગાવામાં ગરક થઈ જતો. તે ગાયાજ કરતો અને તેના આત્માની ઉન્નત દશાનું ભાન સ્વાભાવિક રીતે સર્વને થઈ રહેતું. તે ગાયાજ કરતો અને તેના સમસ્ત પવિત્ર આત્મા ભજનની ધૂનમાં પરોવાઈ રહેતો. તેનો સાદ શ્રોતાઓનાં હૃદયને ઉછાળી મૂકતો. આસપાસ સર્વત્ર આધ્યાત્મિક પવિત્રતાની પ્રભા પથરાઈ રહેતી અને શ્રીરામકૃષ્ણ સમાધિમાં આવી જતા !

વખતો વખત તેને લાગતું કે દક્ષિણેશ્વર આધ્યાત્મિકતાનું સ્થળ છે. આ સ્થળમાં ઉદ્ભવતી પવિત્ર લાગણીઓ અને શ્રી રામકૃષ્ણના સહવાસથી ઉત્પન્ન થતી આધ્યાત્મિક ચેતનાની ઉન્નત ઉર્મિઓથી હિંદુધર્મની સત્યતા અને શ્રીરામકૃષ્ણની મહત્તાને સ્વીકાર્યા વિના તેને છુટકોજ ન હતો.

આ પ્રમાણે અંગ્રેજી કોલેજનો અશ્રદ્ધાવાન વિદ્યાર્થી નરેન્દ્ર હવે શ્રદ્ધાવાન બની રહ્યો. પાશ્ચાત્ય વિદ્યાનો વિલાસી હવે વેદાંતના સત્યોમાંજ આનંદ માનવા લાગ્યો. હિંદુ જીવનને વખોડનાર અને પાશ્ચાત્ય પ્રજાઓના રીતરિવાજનો બચાવ કરનાર નરેન્દ્ર હવે ખરેખરો હિંદુ બની રહ્યો. સઘળી પ્રજાઓનું અસ્તિત્વ, સંરક્ષણ, તેમનું દીર્ધાયુ પણ આ મહાન આર્યધર્મવડેજ રહેશે; ઉપનિષદોનાં મહાન સત્યોવડેજ અખિલ વિશ્વમાં શાંતિ, પ્રેમ અને દયાભાવ પ્રસરશે,