આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯
નરેન્દ્રની યોગ્યતા.


અદ્વૈતવાદનાં સત્ય અજેય છે; અદ્વૈતવાદ સર્વ તત્ત્વજ્ઞાનનો શિરામણી છે અને તેના વગર મુક્તિ નથી; એમ તે નિઃશંકપણે માનવા લાગ્યો. તે કહેવા લાગ્યો કે “મારી શ્રદ્ધા એવીજ હોય કે જગત બ્રહ્મ રૂ૫ છે તેમાં બ્રહ્મરૂપે સઘળું હુંજ કરી રહ્યો છું અને મારા નસીબનો કર્તા હુંજ છું” તો પછી સઘળું સારૂંજ છે. સંસારના દુ:ખમાંથી નીકળવાનો એકજ માર્ગ છે, તેનું આશ્વાસન એકજ છે, કે જગત અને બ્રહ્મનું અદ્વૈત સાધવું; અથવા આ સઘળું પરબ્રહ્મ જ છે, જગત છેજ નહિ, એમ દૃઢ માનવું અને આત્મા પરમાત્માનું એકત્વ અનુભવવું. શ્રી રામકૃષ્ણ આનંદથી આ વાત સાંભળી રહ્યા.

આ પ્રમાણે શ્રીરામકૃષ્ણની અગાધ પવિત્રતા અને બોધની અસર નરેન્દ્રના તનમાં અને મનમાં રૂવે રૂવે વ્યાપી રહી. શ્રી રામકૃષ્ણરૂપી અદ્વૈતવાદની સાક્ષાત મૂર્તિ નિહાળવાથી અને તેનાં અગાધ સત્યોનું ચિંતન કર્યા કરવાથી નરેન્દ્રના ચહેરા ઉપર પણ ઉચ્ચ ભાવોને દર્શાવનારાં ચિન્હ દેખાવા લાગ્યાં. “શ્રી રામકૃષ્ણનો શિષ્ય છું” એ વિચારથી તે હવે ગર્વ ધરવા લાગ્યો. હવે તેને બાહ્ય દેખાવ પ્રભાવશીલ જણાવા લાગ્યો. રસ્તામાં ચાલતો હોય તે વખતે ઘણા માણસો તેની શાંત પ્રભાથી અંજાવા લાગ્યા. તેના મુખ ઉપર અદ્ભુત તેજ છવાઈ રહ્યું. તેનું વિશાળ લલાટ તેની બુદ્ધિનો પ્રભાવ દર્શાવી રહ્યું. તેનું બહોળું વક્ષ:સ્થળ તેની હિંમત, ધીરજ અને નિડરતા પ્રગટ કરી રહ્યું.

નરેન્દ્રે વિપત્તિના દિવસો જોયા હતા અને આ વિપત્તિ દર્શનને લીધે તેનામાં જનદયાની લાગણી દૃઢ થઈ રહી હતી, અદ્વૈતવાદના બોધથી આ લાગણી એટલી તો વધી ગઈ હતી કે તેના પરિણામ રૂપે આ બહોળા વક્ષ:સ્થળની અંદર અમાનુષી પ્રેમ, અગાધ ભ્રાતૃભાવ અને સમસ્ત જગતનું કલ્યાણ કરવાની વૃતિ ઉછળી રહ્યાં હતાં. તેની આંખો કમળના પુષ્પ જેવી લંબગોળ અને દીર્ઘ હતી અને