આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ગણતા. આમ એક તરફ એક મહાન વિચારકનાં અગાધ બુદ્ધિ સામર્થ્ય અને દીર્ધ દૃષ્ટિ દર્શાવી, એક મહાન પુરૂષના ઉચ્ચપદે જઈને તે વિરાજતો અને બીજી જ ક્ષણે તે પદેથી નીચે ઉતરી એક પ્રેમાળ બાળકની મિષ્ટતા, નિરભિમાનીતા, પ્રેમ અને ભાવથી જગતના સામાન્યમાં સામાન્ય મનુષ્યને પણ ભેટતો-ઉચ્ચ વિચાર અને સાદુ જીવન -મહાપુરૂષની ઉચ્ચ ભાવનાઓ અને બાળકની નિરાભિમાનીતાનો સુયોગ પોતાના જીવનથી જગતને તે દર્શાવી આપતો. એક ખીલેલા કમળની સુવાસ જેમ આસપાસ પ્રસરી રહે તેમ નરેન્દ્રના વિકસિત આત્મા–ચારિત્ર-ની સુવાસ આસપાસ પ્રસરી રહી અને તેના મિત્રો તેની ધાર્મિકતાથી ધાર્મિક બનવા લાગ્યા. તેનું ચારિત્ર અને વક્તૃત્વ સર્વને મ્હાત કરવા લાગ્યાં. જનરલ એસેમ્બ્લીઝ ઇન્સ્ટીટ્યુશન નામની સંસ્થામાં એક સમાજ હતી તેનો નરેન્દ્ર સભાસદ હતો. તે સમાજમાં નરેન્દ્ર તત્ત્વજ્ઞાન ઉપર અનેક ચર્ચાઓ કરતો અને તેની અસર તેના મિત્રો ઉપરાંત તે સંસ્થાના પ્રીન્સીપાલ ઉપર એટલી બધી થઈ રહી કે તે પ્રીન્સીપાલ કહેવા લાગ્યા “નરેન્દ્ર તત્વજ્ઞાનનો મોટો અભ્યાસી છે. જર્મન અને ઇંગ્લીશ યુનિવર્સિટિઓમાં પણ એના જેવો બુદ્ધિશાળી વિદ્યાર્થી એકે નથી.”

જગતના નેતા થવાને જેઓ સરજાયા છે તેઓને તેમની ભાવી મહત્તાનું ભાન સહજ હોય છે. પોતાની વિદ્યાર્થી દશામાં પણ નરેન્દ્ર પોતે ભવિષ્યમાં એક મહાપુરૂષ થશે એમ ધારતો. તેના મિત્રોને તે કહેતો કે “બહુમાં બહુતો તમે વકીલ, દાક્તર કે જડજ થશો ! જુઓ ! મારે માટે હું મારા ભાવી જીવનની રૂપરેખા આંકું છું.” આમ કહી ઘણાજ જુસ્સાથી તે પોતાના ભાવી જીવનની ધારણાઓ દર્શાવતો.

જો નરેન્દ્ર સંન્યાસી થયા નહોત તો તે એક મહાન રાજદ્વારી પુરૂષ, વકીલ, સંસારસુધારક કે વક્તા તરિકે બહાર પડ્યો હોત અને