આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
નરેન્દ્રની યોગ્યતા.


ઘણી સમૃદ્ધિ અને સતા ભોગવવાને શક્તિમાન થયો હોત. પણ તેનાં જન્મસિદ્ધ સાધુતા અને વૈરાગ્ય આ સર્વને તુચ્છ ગણાવતાં, અને તેને પોતે ધનીક થવા કરતાં ધનવાન લોકોને નિર્ધન અને દુ:ખી મનુષ્યો તરફ દયા, ભાવ અને લાગણી દર્શાવવાનો બોધ કરવાનું, દ્રવ્ય પ્રાપ્ત કરવા કરતાં ગરિબોને દ્રવ્યનાં સાધનો કરી આપવાનું, જગતના સ્વાર્થી ધનવાન બનવા કરતાં પરમાર્થ સાધક સાધુ થવાનું, સર્વને ત્યાગ, આત્મભોગ અને પવિત્રતાનો ઉત્તમ બોધ અને દાખલો આપવાનું,રે, સમસ્ત જગતનું ઐહિક અને પારમાર્થિક હિત સાધવાનું અને અખિલ વિશ્વનું કલ્યાણ કરવાનું મહાન કાર્ય સાથે લેવાનું શિખવી રહ્યો હતો.

વિપત્તિનો અનુભવ થવાથી નરેન્દ્રનું અંતઃકરણ દયાર્દ્ર બની દુઃખી તરફ અત્યંત લાગણીથી જોતું હતું. શ્રી રામકૃષ્ણની આધ્યાત્મિકતાએ તેનામાં નિરભિમાનીતા, સરળતા અને સત્યનો વાસ કરાવ્યો હતો.

શ્રીરામકૃષ્ણ નરેન્દ્ર વિષે કહેતા કે નિરાકાર પરબ્રહ્મજ હવે નરેન્દ્રનું આદર્શ છે. તે એક વીર પુરૂષ છે. ઘણાએ ભક્તો આવે છે પણ એના જેવો એકે નથી. કેટલીક વખત હું સર્વની તુલના કરું છું. મને માલમ પડે છે કે જ્યારે એક ભક્ત દસ પાંખડીવાળા કમળ જેવો છે અને બીજો ભક્ત સો પાંખડીવાળા કમળ જેવો હશે, ત્યારે નરેન્દ્ર તો હજાર પાંખડીવાળા કમળ જેવો છે. ” વળી કોઇ અન્ય સમયે તે કહેતા “નરેન્દ્ર સપ્તર્ષિમાંનો એક છે. નરેન્દ્ર નર નારાયણમાં નર છે. નરેન્દ્ર કોઇપણ પદાર્થને વશ નથી. વિષય તરફ તેને આસક્તિ નથી. તે નિ:સંગ છે. તે ખરો નર છે. જયારે શ્રોતાજનોમાં નરેન્દ્ર હોય છે ત્યારે મારું મન ઘણું જ ઉત્સાહી બને છે. નરેન્દ્ર એક ઉચ્ચ અધિકારવાળો યુવાન છે, તે ઘણા વિષયમાં નિષ્ણાત છે. સંગીતમાં અને વાદ્યકળામાં અને જ્ઞાનની અનેક શાખાઓમાં