આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


નરેન્દ્ર પ્રવીણ છે. તે મિતાહારી છે અને સત્ય વક્તા છે. તે જાણે છે કે એકલો પરમાત્માજ સત્ય છે. અને જગતના પદાર્થો મિથ્યા છે, માટે તેના ઉપર આસક્તિ રાખવી નહીં. નરેન્દ્રમાં ઘણા સદગુણો છે.”

ટુંકમાં કહેતાં ગુરુ અને શિષ્ય એક ઢાલની જાણે કે બે જુદી દેખાતી બાજુઓ હોય તેમ બની રહ્યા હતા. શ્રી રામકૃષ્ણનાં તપ, યોગ, આચરણ, સાધના, આચાર અને વિચાર નરેન્દ્રમાં ઉતર્યા હતા. એટલો ફેર અવશ્ય હતો કે જૂના સમયના શ્રીરામકૃષ્ણ પોતાના વિચાર જૂની પ્રણાલિકા પ્રમાણે દર્શાવતા અને આધુનિક સમયનો નરેન્દ્ર-વિવેકાનંદ તેના તેજ વિચાર–સત્યો-નવા વિચારના મનુષ્યોને અનુકુળ થવાને નવા વિચારના સ્વરૂપમાં પ્રગટ કરતો. જનસમૂહના કલ્યાણમાં આડે આવનાર કાંચન અને કામિની ઉપર જય મેળવી શ્રીરામકૃષ્ણે દક્ષિણેશ્વરમાં આત્માનું રાજ્ય સ્થાપ્યું હતું અને આ રાજ્ય નરેન્દ્રને સઘળી પૃથ્વી ઉપર ફેલાવવાનું હતું. આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગરમાં શ્રી રામકૃષ્ણ ઉંડી ડુબકી મારી હતી અને તેમાંથી તેમણે જે ખજાનો બહાર કહાડ્યો હતો તે ખજાનો સમસ્ત જગતને નરેન્દ્રે બતાવવાનો હતો. શ્રીરામકૃષ્ણ સ્વાનુભવની મૂર્તિ હતા, નરેન્દ્રે તે અનુભવના વક્તા બનવાનું હતું. આથી કરીને નરેન્દ્રના-વિવેકાનંદના ચારિત્રને સમજવાનું શ્રેષ્ઠ સાધન શ્રીરામકૃષ્ણના ચારિત્રનું યથાર્થ જ્ઞાનજ છે.

શ્રીરામકૃષ્ણની પવિત્ર સંનિધિમાં એક ક્ષણવાર પણ બેસવાનું ધન્ય ભાગ્ય ! અહા ! નરેન્દ્ર જેવા થવાનું–તેના જેવી ઉચ્ચ ભાવનાઓ હૃદયમાં ધરવાનું મહદ્ ભાગ્ય ! પવિત્ર ગંગા નદીને કિનારે આવેલા દક્ષિણેશ્વરના એકાન્તવાસમાં સર્વત્ર શાંતિ, ધાર્મિક્તા, પવિત્રતા પ્રસરી રહ્યાં હતાં. અહીંઆં સંસારની તુચ્છવાસનાઓને દુર કરી આત્માનીજ કથા ચાલી રહી હતી. લોક કથા, સમાજ કથા, રાજ્ય કથા કે ભોજન કથાનું નામ પણ અહીઆં લેવાનું નહી !