આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
કાશીપુરીમાં ગળાયલા દિવસો.

ધરીને નરેન્દ્ર બેઠો હતો. ધ્યાનમાંથી ઉઠ્યા પછી તરતજ તે અભેદાનંદની પાસે જઈને બેઠો. તેને તેણે સ્પર્શ કર્યો. પોતાના સ્પર્શ માત્રથીજ અભેદાનંદને આત્માના આનંદની કાંઇક ઝાંખી ઉત્પન્ન કરાવવી એ તેનો વિચાર હતો. આ બનાવ વિષે અભેદાનંદ લખે છે “નરેન્દ્રે મને સ્પર્શ કર્યો કે તરતજ મારા આખા શરીરમાં એક પ્રકારની જાદુઈ અસર વ્યાપી રહી. વિજળીનો પ્રવાહ જાણે કે ચાલી રહ્યો હોય તેમ મને લાગ્યું. તરતજ હું ઘણા ઉંડા ધ્યાનને વશ થઈ ગયો અને અવર્ણનીય આનંદની લેહેરમાં મારા શરીર કે જીવનું પણ ભાન ભુલી ગયો.” આ પ્રમાણે નરેન્દ્ર પોતાની શક્તિઓની ખાત્રી પણ કરી જોતો હતો. હજી તેને ઉંડી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થતી નહોતી. તે સમાધિ પ્રાપ્ત કરાવવાને તે વારંવાર શ્રી રામકૃષ્ણને વિનતિ કરતો. શ્રી રામકૃષ્ણ વધારે વધારે સ્નેહથી તેને નિહાળતા અને કંઇ બોલતા નહિ. હજી પણ નરેન્દ્રને બીજું શિક્ષણ આપવાનું હતું અને ત્યાર પછી જ તેને સમાધિનો અનુભવ કરાવવાનો હતો.

પ્રકરણ ૧૯ મું-કાશીપુરમાં ગળાયલા દિવસો.

શ્રીરામકૃષ્ણનું જીવન હવે વધુ સમય ટકે તેમ નથી એમ લાગવાથી દક્ષિણેશ્વરમાંથી તેમને કલકતે લાવવામાં આવ્યા અને કાશીપુરમાં આવેલા એક બગીચામાં રાખવામાં આવ્યા. તેમના શિષ્યો તેમની સેવા કરવા લાગ્યા. તેમની સેવા કરવી એ તેમને મન પ્રભુની પૂજાજ હતી. શ્રીરામકૃષ્ણને ગળા ઉ૫ર એક ગુમડું થયું હતું અને તેમને બોલતાં અડચણ પડતી હતી. તે બોલતા ત્યારે લોહી દડદડ વહેતું. વૈદ્યો બોલવવાની ના કહેતા. જ્યારે ધાર્મિક પ્રશ્ન પુછવાને કોઈ પણ આવે તો તેમને નિરાશા નહિ કરવા એવો શ્રી રામકૃષ્ણનો આગ્રહ હતો.