આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

માનતા અને તેમનો દેહાન્ત સં. ૧૯૭૬ યા ૧૯૭૭ માં થયો ત્યાં સુધી આધ્યાત્મિક વિષયમાં તેમની સલાહ વારંવાર લેતા. તેમની આજ્ઞાનો ભંગ તેઓ કદી પણ કરતા નહિ. સ્વામી વિવેકાનંદ પણ વારંવાર તેમની સલાહ પુછતા અને ઘણાજ ભક્તિભાવથી તેમને ચરણે નમીને દરેક પ્રસંગે તેમનો આશિર્વાદ લેતા.

પ્રકરણ ૨૦ મું-બુદ્ધગયાની યાત્રા.

જેમ જેમ શ્રી રામકૃષ્ણને મંદવાડ વધતો ગયો તેમ તેમ સઘળા શિષ્યો વધારે ને વધારે જ્ઞાન, તપ, સાધના, યોગ વગેરેમાં પોતાનાં ચિત્તને પરોવવા લાગ્યા, એક વખત ભગવાન બુદ્ધ વિષે વાર્તા ચાલી રહી. નરેન્દ્ર તેનો ખાસ અભ્યાસી અને વક્તા હતો. તેણે બુદ્ધધર્મનો પાકો અભ્યાસ કર્યો હતો. બુદ્ધધર્મનાં પુસ્તકો, દલિત વિસ્તાર, ત્રિપિટિકા વગેરે તેણે વાંચ્યાં હતાં. બુદ્ધ વિષે ચાલતી અનેક દંતકથાઓનું અધ્યયન તેણે કર્યું હતું. જાણે કે બુદ્ધનો પરમ શિષ્ય હોય તેમ તે બની રહ્યો હતો. નરેન્દ્રમાં ખાસ કરીને એક ગુણ એવો હતો કે કોઈ પણ બાબત હાથમાં લીધી કે તેને પુરેપુરી જાણવાનો તે પ્રયાસ કરતો અને તેનું ઉંડામાં ઉંડું રહસ્ય તે શોધી કહાડતો અને તે રહસ્યને પોતાના જીવનમાં રગે રગે ઉતારતો. બુદ્ધની બુદ્ધિ, વિચારોની દૃઢતા, સત્ય માટે અડગ નિશ્ચય, ઉત્કટ વૈરાગ્ય, વિશાળ હૃદય, અપૂર્વ દયાભાવ, મધુર ગંભીર અને તેજસ્વી મૂર્તિ, ઉચ્ચ નીતિ, સર્વનું મૂળ શોધવાની શક્તિ-આ સર્વથી નરેન્દ્રના આધ્યાત્મિક જીવન ઉપર ભારે અસર થઈ હતી. થોડો વખત તે અન્ય સઘળું મૂકી દઈ બુદ્ધનાજ ચિંતનમાં અને અભ્યાસમાં રહ્યા કર્યો. બુદ્ધના સમયનો અદ્ભુત ચિતારો તે મનમાં ખડા કરવા