આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
શ્રી બુધ્ધગયાની યાત્રા.

સ્વાદ તેને બીજે કહીંએ મળશે નહિ.” શ્રી રામકૃષ્ણ મનમાં ખુશી થતા હતા કે નરેન્દ્ર બહારનો અનુભવ મેળવીને તેમને ઓળખવાને વધારે શક્તિમાન થશે.

નરેન્દ્ર સાથે બીજા પણ બે જણ ગયા હતા, આખે રસ્તે બુદ્ધગયાના વિચારજ તેમના મનમાં રમી રહ્યો. રેલ્વે સ્ટેશનથી બુદ્ધગયા આઠ નવ માઈલ દૂર છે, એટલો રસ્તો તેમણે પગે ચાલી નાંખ્યો. રસ્તામાં પવિત્ર ફલ્ગુ નદીમાં સ્નાન કર્યું. રાત્રે તેઓ બુદ્ધગયા પહોંચ્યા. આખી રાત બુદ્ધના વિચારમાં જ તેઓ મશગુલ રહ્યા. સવારમાં બોધીસત્વના મંદિરમાં ગયા. ભગવાન બુદ્ધની મૂર્તિ આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને નમ્યા. નિર્વાણનો બોધ કરનાર, પરમ શાંતિના અગાધ મહાસાગર, પરમ દયાળુ ભગવાન બુદ્ધની પ્રાચીન તેજસ્વી મૂર્તિ તેવીને તેવીજ ભવ્ય દશામાં તેઓ દેખવા લાગ્યા. નરેન્દ્ર અને તેના ગુરૂભાઈઓ તે મૂર્તિની આગળ સાષ્ટાંગ પ્રણામ કરી બેઠા, પદ્માસન વાળ્યું અને એકાગ્ર થઈ જઈ એક ચિત્તે ભગવાન બુદ્ધનું ધ્યાન ધરવા લાગ્યા.

બે કલાક સુધી તેઓ ધ્યાનમાં બેસી રહ્યા. પછી તેઓ મઠમાં ગયા. સાયંકાળનો સમય થતાં નરેન્દ્ર બોધીવૃક્ષની નીચે પડેલી શિલા જેના ઉપર બેસીને ગૌતમબુદ્ધ નિર્વાણને પ્રાપ્ત કરી રહ્યા હતા તેની પાસે ગયો. ત્યાં બેસીને તે ચિત્તની એકાગ્રતા વધારે મેળવી શક્યો અને ધ્યાનની વધારે ઉચ્ચ દશાએ પહોંચ્યો. સમય સંધ્યાકાળનો હતો. સર્વત્ર શાંતિ ફેલાઈ રહી હતી. ગંભીર વિચારોથી નરેન્દ્રનું લાગણીવાળું હૃદય ભરાઈ આવ્યું. આંખોમાંથી ચોધારાં અશ્રુ વહેવા લાગ્યાં ! પોતાની પાસે બેઠેલા ગુરૂભાઈને ગળે હાથ નાંખીને તે ઘણા વ્હાલથી ભેટી પડ્યો. ગુરૂ ભાઈ ચમક્યો. નરેન્દ્રને તે આમ કરવાનું કારણ પુછવા લાગ્યો. પણ ઉત્તર કોણ આપે ? નરેન્દ્ર ફરીથી ધ્યાનમાં ગરક થઈ ગયો. શું ભગવાન બુદ્ધનું ધ્યાન ધરતાં ધરતાં અત્યંત પ્રેમના