આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
નરેન્દ્રને નિર્વિકલ્પ સમાધિ.


અથવા તો જીવન્મુક્તની સમાધિમય સર્વોચ્ચ ભૂમિકાની મહત્તા શ્રીરામકૃષ્ણના મનમાં ઓછી હતી. આત્માનુભવની ઉચ્ચ દશા, આત્મમયતા કે સમાધિ દશાને શ્રી રામકૃષ્ણ જરાકે ઓછી ગણતા નહોતા. પણ જ્યારે લાખો મનુષ્ય અજ્ઞાનરૂપી અંધકારમાં ડુબી રહેલાં હોય, જ્યારે જડવાદની સત્તા વધતી ચાલી હોય; આધિ, વ્યાધિ અને ઉપાધિથી અનેક મનુષ્યો પીડિત થઈ રહેલાં હોય; વળી નરેન્દ્રના ગુણ, સ્વભાવ અને પ્રારબ્ધ પણ અમુક પ્રકારનાં જણાઇ ચૂક્યાં હોય; ત્યારે પછી તે સમાધિમાં ગરક થઈ એક ખુણામાં બેસી રહેવા ઇચ્છે એ શ્રીરામકૃષ્ણ જેવા સૂક્ષ્મદર્શિ મહાત્માને ગમેજ કેમ ? आत्मवत् सर्व भूतेषु એ મહાસિદ્ધાંતને આચરી રહેલા શ્રીરામકૃષ્ણનો આત્મા બીજાના દુઃખથી અત્યંત દુઃખી થતો અને પોતાના આત્મસુખને વેગળું કરીને પણ દુઃખી મનુષ્યને સહાય કરવાને તે તત્પર થતા. પોતાનું આ આચરણ પોતાના શિષ્યમાં લાવવાનું અને તેને તેના અધિકાર તથા પ્રારબ્ધને બંધબેસ્તી થાય એવા પ્રકારની જીવન્મુક્ત દશા સમજાવવાનેજ તેમણે નરેદ્રને ઉપર પ્રમાણે કહ્યું હતું.

શ્રી રામકૃષ્ણનો ઉપલો ઠપકો સાંભળીને નરેન્દ્ર રોઈ પડ્યો. તે તેમના કહેવાનો ભાવાર્થ સમજી ગયો. શ્રી રામકૃષ્ણ જાણતા હતા કે નરેન્દ્ર બીજાને માટે અત્યંત લાગણીવાળો અને અસામાન્ય બળવાન હોવાથી તે વિશ્વની મુક્તિ માટે પ્રયાસ કરશે ! તેમની એજ ઈચ્છા હતી કે તેણે આત્માનુભવ પ્રાપ્ત કરી તેનો અનુપમ લાભ સર્વ જગતને આપવો, અને આ સંસાર સાગરમાં ડુબકાં ખાઈ રહેલાં પ્રાણીઓમાંથી જેટલાના પણ ઉપકારક થવાય તેટલાના થવું. એક સુંદર ફુવારો જેમ પોતાની જળધારાઓ આસપાસ પ્રસરાવી મુકે છે તેમ નરેન્દ્રે પરમ સત્યના પ્રવાહ જગતના કલ્યાણને માટે સર્વ દિશાઓમાં વહેવરાવી મુકવો.