આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


લડ્યા એમ કહેવાવું ન જોઈએ. જો આપણે આપણાં આદર્શને ખરેખરી રીતે વળગી રહીએ અને આપણા ગુરૂના બોધના જીવત દાખલાઓ બની રહીએ તો આખું જગત આપણે ચરણે નમે. ”

નરેન્દ્રનો આ ઠરાવ સઘળા સંન્યાસીઓએ બહાલ રાખ્યો. આથી કરીને એક સંન્યાસી શ્રી રામકૃષ્ણની વિભૂતિને પોતાને મસ્તકે લઈને એક ગૃહસ્થાશ્રમીની વાડીમાં મુકી આવ્યા. તેના ઉપર એક મંદિર બાંધવામાં આવ્યું. તે સ્થાન યોગાદ્યાનને નામે ઓળખાય છે અને ત્યાં પ્રતિવર્ષ મહોત્સવ થાય છે.

વિભૂતિનો કેટલોક ભાગ સંન્યાસીઓએ પોતાની પાસે રાખ્યો હતો. તેને મઠના એક શ્રેષ્ઠ ભાગમાં પધરાવવામાં આવ્યો અને સઘળા સાધુઓ તેની પૂજા ધૂપ, દીપ, નૈવેદ્ય વડે કરવા લાગ્યા. શ્રી રામકૃષ્ણ જે પથારીમાં સુતા હતા, જે કપડાં પહેરતા હતા તથા જે સામાન વાપરતા હતા તે સઘળું કાશીપુરથી મઠમાં લાવવામાં આવ્યું અને તેને એક અમુલ્ય ખજાના તરીકે જાળવી રાખવામાં આવ્યું.

આ મઠમાં શ્રી રામકૃષ્ણના બાળકો-આ સાધુઓ-હવે કેવું જીવન ગાળી રહ્યા હતા ! ખરેખર તે દિવસો અત્યંત હાડમારીનાજ હતા. પણ તે હાડમારીમાં જ તેમનું ચારિત્ર્ય ઘડાતું હતું અને તેઓ વધારે ને વધારે બળવાન થતા જતા હતા. મઠનું મકાન ઘણુંજ જુનું હતું, નીચલા ભાગમાંની જગ્યા વપરાયા વગરની પડી રહેલી હતી અને તેમાં સર્પાદિનો ભય હતો. આસપાસની દિવાલોમાંની એક “આજ પડું, કાલ પડું” એવી થઈ રહી હતી. અનાયાસે જે આવી મળતું તેજ તેઓ ઉપયોગમાં લેતા અને કોઈની પાસે યાચના કરતા નહી. આથી કરીને વારંવાર ભૂખ્યા રહેવાનો પ્રસંગ પણ આવતો. મઠનું કામ-પાણી ભરવું, ઝાડુ વાળવું, રસોઈ કરવી, વાસણ માંજવાં વગેરે – તેઓ હાથોહાથજ કરતા ને તે ઘણા ઉલ્લાસથી કરતા. તેઓ આધ્યાત્મિક