આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

આ સાધુઓને મન દિવસ કે રાત્રિ, કલાક કે મિનિટ, કશાની પણ ગણના હતી નહીં, કારણ કે તેઓ સર્વદા સાધનમાં અને આનંદમાંજ રહેતા. જેઓ બહારથી મઠમાં આવતા તે તેમને જોઇને આશ્ચર્ય પામતા અને કહેતા “આ માણસો કોણ છે ! તેઓની આંખ કેવી તેજસ્વી છે ! તેઓ ગાંડા માણસ જેવા દેખાય છે !” અને ખરેખર તેઓ ગાંડાજ હતા; ઈશ્વરની પાછળ તેઓ ગાંડાજ થઈ રહ્યા હતા ! અનેક પ્રકારના આધ્યાત્મિક અનુભવ તેઓ મેળવતા હતા. કેટલાક કલાકના કલાકો સુધી હાલ્યા ચાલ્યા વગર ધ્યાનસ્થ થઈને રહેતા; કેટલાક ભક્તિમય ભજનો થાકી જવાય ત્યાં સુધી ગાતા; કેટલાક માળા લઈને બેસતા અને આખી રાત જપ કર્યા કરતા; કેટલાક ધુણી સળગાવીને તેની પાસે આસન વાળીને બેસતા અને કલાકો સુધી પરમાત્મ ધ્યાનમાં જોડાઈ રહેતા. શ્રીરામકૃષ્ણની છબી મઠમાં હતી અને તેની સમક્ષ હૃદયસ્પર્શી ભજનો ગવાતાં, મંત્ર ઉચ્ચારાતા, ધુપ, દીપ, નૈવેદ્ય થતાં, અને શંખનાદ પણ કરવામાં આવતો. સાયંકાળે સર્વે સાધુઓ મંત્રોચ્ચાર કરતા અને સર્વની વચમાં નરેન્દ્ર ધ્યાનાવસ્થામાં બેસતો. તે પોતાની આધ્યાત્મિક શક્તિથી સર્વના આત્માને ઉન્નત કરતો બ્રહ્મધ્યાનમાં લીન થઈ રહેતો. અહાહા ! આ સાધુઓ- શ્રીરામકૃષ્ણનાં બાળકો-પ્રભુના કેવા પરમ ભક્તો હતા ! તે સવ ભક્તોની વચમાં દિવ્યજ્યોતિ સમો નરેન્દ્ર વિરાજતો !

પ્રકરણ ૨૪ મું–પ્રવાસી સાધુ.

આર્ય પ્રજાનું જીવન શેમાં રહેલું છે? તે જીવનમાં કઈ કઈ વૃત્તિઓ પ્રધાનપદ ભોગવી રહેલી છે? તેના હેતુઓ, આદર્શો અને આશા કયા કયા છે? આર્યપ્રજાનું ખરું જીવન ક્યાં જણાઈ આવે છે? તેની ઉન્નતિના