આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આવા પ્રવાસી સાધુ તરીકે તેમણે જે દિવસો ગાળ્યા છે તેમનું વર્ણન રસમય અને બોધપ્રદ છે અને તે સમય આધ્યાત્મિક ભવ્યતાથી ભરપુર છે. ઘણી વખત સ્વામીજી પોતાનું નામ બદલતા અને પોતે ક્યાં જાય છે તે પણ કોઇને જણાવા દેતા નહીં. પોતે ધારેલા કાર્યમાં કોઈ પણ મિત્ર, ગુરૂભાઈ કે શિષ્ય આડે આવે નહીં એમ તેમનો દૃઢ નિશ્ચય હતો. સમસ્ત ભારતવર્ષ અને અખિલ જગતને માટે જે પ્રેમ તેઓ ધરાવી રહ્યા હતા તે પ્રેમમાં–તે પ્રેમથી ઉદ્ભવતા કાર્યમાં અમુક એક, બે, કે પચીસ વ્યક્તિઓનો પ્રેમ અંતરાયરૂપ થઈ ન રહે એવી સાવચેતી તે પહેલેથીજ રાખતા હતા. તે જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તેમના શબ્દો, દેખાવ અને જુસ્સાથી મોહિત થઈને તેમના થોડા પણ પરિચયમાં આવનાર દરેક મનુષ્ય બીજાને કહેતો કે “અહીંઆં એક અલૌકિક સાધુ આવ્યા છે ! તમારે એમનાં દર્શન કરવા જોઈએ !”

સ્વામી વિવેકાનંદ આ વખતે તદ્દન એકલાજ વિચરતા અને કોઈ પણ ગામમાં એકાદ દિવસથી વધારે રહેતા નહિ. વધુ ખ્યાતિમાં ન આવવું અને એક સામાન્ય સાધુ તરીકે પસાર થવું એવા હેતુથી તેઓ પોતાની વિદ્યા અને અંગ્રેજીનું જ્ઞાન પણ છુપાવતા. કોઈની પાસે કંઈ પણ તેઓ માગતા નહીં અને જે કંઈ આવી મળે તે ખાતા. આ સમય વિષે વાત કરતાં તે કહેતા કે કેટલીક વાર તો તેમને લાંઘા પણ થતાં. કેટલીક વખત તેઓ જંગલમાં વાસ કરતા તો કેટલીક વખત કોઈ જૂની પુરાણી ધર્મશાળામાં ઉતરતા. કેટલીક વખત ખુલ્લા મેદાનમાં તારાઓથી છવાયેલા નિર્મળ આકાશ નીચેજ તેઓ એકલા પડી રહેતા. કેટલીક વખત સૂર્યનો સખત તાપ સહન કરી પગે ચાલતા, તો કેટલીક વખત વરસાદની ઝડીઓ વચ્ચેથી પસાર થતા. તેમનું મન આ સર્વ પ્રસંગે આધ્યાત્મિક