આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
પ્રવાસી સાધુ.


પૂર્ણ ભાવથી ભરપુર થઈ રહ્યું હતું. પોતાની ઉચ્ચ ભાવનાઓની જાણે કે સ્વામીજી જીવંત મૂર્તિ હોય એમ તેને ભાસ્યું હતું. સ્વામીજી હવે જવાની તૈયારી કરી રહ્યા હતા તેથી સરતચંદ્ર બોલી ઉઠ્યાઃ “સ્વામીજી મને તમારો શિષ્ય બનાવો. તમે જ્યાં જશો ત્યાં હું આવીશ.” સ્વામીજી એલ્યાઃ “તમે મને ખરેખરી રીતે અનુસરશો ?” સરતચંદ્રે હા કહી. પછી સ્વામીજી બોલ્યાઃ “ત્યારે લ્યો આ મારૂં કમણ્ડલું અને સ્ટેશનના પોર્ટરોને ઘેર જઇને ભિક્ષા માગી લાવો !” સરતચંદ્ર તરતજ ગયો અને થોડી ભિક્ષા માગી લાવ્યો. સ્વામીજીએ તેને આશિર્વાદ આપ્યા.

પછી પોતાનાં માબાપની પરવાનગી લઈને સરતચંદ્ર સ્વામીજીની સાથે જવા તૈયાર થયો. સ્વામીજીએ તેને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો. આગળ ઉપર તે સ્વામી સદાનંદ તરીકે ઓળખાવા લાગ્યો, ગુરૂ અને શિષ્ય બંને હવે હૃષીકેશ તરફ ગયા. ત્યાં જઈને અનેક સાધુઓ ભેગા તે રહેવા લાગ્યા. અહીંનું સઘળું વાતાવરણ તેમને સાધુમયજ લાગ્યું. તેમણે ઘણા દિવસો આ સ્થળે અભ્યાસમાં ગાળ્યા. હવે હિમાલયનાં ઉંચાં શિખરો ઉપર ચ્હડવાનો તેમણે વિચાર કર્યો. હૃષીકેશમાં પવિત્ર જાન્હવીનું જળ નાચતું, કુદતું, ખળખળાટ કરતું વહી જતું હતું; તેનાથી થતો અવાજ તેમના કાનને અત્યંત પ્રિય લાગતો હતો. સ્વામીજીને મન તે “હર, હર, ૐ ૐ” એમ બોલતો અને સાધુ જીવનનું સ્વાતંત્ર્ય દાખવતો હોય તેવો લાગતો હતો. આસપાસ નાના નાના પહાડો આવી રહેલા હતા અને તે સવાર તથા સાંજના સમયે શાંત અને કિંચિત પ્રકાશવાળા સમયે રંગબેરંગી ચિત્રો ધારણ કરી રહેલા જણાતા હતા. આથી કરીને હાલ તો આ સ્થળમાંજ રહેવું એવો નિશ્ચય સ્વામીજી કરી રહ્યા હતા. પણ એટલામાં સદાનંદ પુષ્કળ માંદા પડ્યા અને તેથી સ્વામીજીને પાછા વળવું પડ્યું,