આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૨૬ મું – હિમાલયમાં પર્યટણ.

કલકત્તામાં આવેલા રામકૃષ્ણમઠમાં વિવેકાનંદના ગુરૂભાઈઓ રહેતા હતા. સ્વામીજી તે સર્વના નેતા હતા. તે ગુરૂભાઈઓ હજી બીન અનુભવી અને બાળક જેવા સાદા–ભોળાજ હતા. આથી કરીને વિવેકાનંદને તેમની કાળજી રાખવી પડતી હતી. જ્યાં જ્યાં તે જતા હતા ત્યાં ત્યાં તેમના ગુરૂભાઈઓના વિચાર તેમને આવતા અને કેટલીક વખત કોઈની માંદગીને લીધે તેમને કલકત્તે પાછા જવું પડતું હતું. તેમના ગુરૂભાઈઓમાંના કેટલાએક વિવેકાનંદની માફક પર્યટણ કરવાને નીકળી પડ્યા હતા અને તેઓ કદી આફતમાં આવી પડ્યા હોય તો તેમને મદદ કરવાને માટે વિવેકાનંદને એક ગામથી બીજે ગામ જવું પડતું હતું. આથી કરીને આપણે જોઈ શકીશું કે વિવેકાનંદને ત્રણ કામ સાથે સાથે કરવાનાં હતાં. પોતાના ગુરૂભાઈઓની સંભાળ લેવી, તેમને યોગ્ય શિક્ષણ આપવું અને તેમનો પરસ્પરનો તેમજ પોતાની સાથેનો ભ્રાતૃભાવ ટકાવી રાખી તેમનું એક મંડળ બનાવવું; સાધુ તરીકે પોતાના જીવનને વધારે ઉન્નત અને પરમાત્મ પરાયણ કરતા ચાલવું; અને ભારતવર્ષમાં સર્વત્ર પર્યટણ કરી જનસમૂહનું જીવન જોઈ તેના ઉપર વિચાર કરી ભારતવર્ષના કલ્યાણના માર્ગો યોજવા. આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખીને જ્યારે આપણે તેમના જીવનને તપાસીશું ત્યારેજ આપણને સમજાશે કે સ્વામી વિવેકાનંદનો જીવન પ્રવાહ કઈ દિશામાં વહી રહ્યો હતો.

ગાઝીપુર, બનારસ, વૃંદાવન, આગ્રા વગેરે સ્થળોમાં પ્રવાસ કરતે કરતે સ્વામીજીનું મન અનેક પ્રકારનું અવલોકન કરી રહ્યું હતું. ભારતવર્ષમાં ધર્મ અને સમાજ વચ્ચે શું સંબંધ રહેલો છે તેની શોધ કરતાં તેમને માલમ પડ્યું હતું કે હિંદમાં ધર્મ અને સમાજ