આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

છોકરાઓ તેની પાછળ પડીને તેને પથ્થર મારતા હતા. તે સાધુની ગરદન અને મુખ ઉપરથી લોહી વહ્યા કરતું હતું. છતાં પણ તે સાધુ હસ્યાજ કરતો હતો. હું તેની પાસે ગયો અને તેના ઘા ધોઈ નાખી રૂના પુંમડાથી ચેવી નાંખ્યું. હું ચેવતો હતો ત્યારે તે સાધુ ખડખડ હસતો હતો અને પથરા ફેંકનાર છોકરાઓની જોડે તેણે ઘણીજ ગમ્મત કરી એમ તે કહેતો હતો ! ઘણા સાધુઓ અહિં એકાન્તવાસમાંજ રહે છે. લોકોની વસ્તી તેમને માટે વિઘ્નરૂપ થઇ પડે છે તેથી એક સાધુએ તો પોતાની ગુફાને મોઢે હાડકાં લટકાવ્યાં હતાં !” આવું એકાન્ત જીવન સ્વામીજી પોતે વખાણતા અને ચ્હાતા હતા. તેમના ગુરૂભાઈઓ તેમની સાથે આવે તે પણ તેમને ઉપાધિ લાગતી હતી, જ્યારે અખંડાનંદે સાથે આવવાને માટે ઈચ્છા દર્શાવી ત્યારે સ્વામીજી બોલ્યા “ગુરૂભાઈઓની માયા પણ માયાજ છે ! આથી મનુષ્ય પોતાની ધારણાઓ પાર પાડવામાં અને સુખસ્વાતંત્ર્યમાં પાછો પડી જાય છે.” એક દિવસ સવારે સ્વામીજી પોતાના ગુરૂભાઈઓને કહ્યા વિનાજ એકલા દીલ્લી જવા નીકળી પડ્યા. ઉત્કટ વૈરાગ્ય અને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જગતને મુક્ત કરવાની પ્રબળ ઇચ્છા – આ બે બાબતોની વચ્ચે તેમનું મન હવે અથડાઈ રહ્યું હતું.

પ્રકરણ ૨૭ મું – દીલ્લી અને અલવર.

દીલ્લી ! અનેક હીંદુ અને મુસલમાન રાજાઓની રાજધાની ! હિંદુસ્તાનનું મધ્ય સ્થળ ! અનેક ઐતિહાસિક બનાવોનું સ્થાન ! બાદશાહી ઠાઠ અને ભપકાનું સ્મરણ કરાવનારી નગરી ! બાદશાહોની કબરો, સુંદર મહેલો, જુનાં પ્રાચીન ભવ્ય ખંડેરો – આ સર્વથી દીલ્લી હિંદુસ્તાનનું રોમ શહેર હોય તેવું ભાસે છે. નગરીના એક ભાગમાં