આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૨૮ મું – ગુજરાત-કાઠીયાવાડ અને મુંબઈ ઇલાકામાં.

સંન્યાસીએ ઘણો વખત એકજ સ્થળમાં રહેવું ન જોઈએ, એવો વિચાર કરીને સ્વામીજી હવે અજમેર ગયા અને ત્યાં થોડો વખત રહીને અમદાવાદમાં આવ્યા. ગુજરાતના બાદશાહોએ બંધાવેલાં ઐતિહાસિક સ્થળો તેમણે અહીંઆં જોયાં. થોડોક વખત અહીં રહ્યા પછી સ્વામીજી વઢવાણ થઈને લીંબડી ગયા. કોઈનું ઓળખાણ મળે નહિ અને સ્વામીજી ક્યાં ઉતરવું તેના વિચારમાં પડી ગયા. સાધુઓને ઉતરવાનું એક સ્થળ તેમને બતાવવામાં આવ્યું. સ્વામીજી ત્યાં ગયા અને થોડોક વખત રહ્યા. તેમને માલમ પડી આવ્યું કે તે સ્થળમાં સ્ત્રીઓ અને પુરૂષો સાથે રહે છે અને તેઓ ધર્મને નામે અનાચાર કરે છે ! દુનિયાદારીના અનુભવ વગરના સ્વામીજી ગભરાયા અને હવે ક્યાં જવું તેનો વિચાર કરવા લાગ્યા. તે સ્થળનાં માણસોએ ચારે બાજુનાં બારણાં બંધ કરી સ્વામીજીને અંદર પુરી રાખ્યા. તેમને જણાવવામાં આવ્યું કે તેમણે તેમના બ્રહ્મચર્યનો ભંગ કરવોજ પડશે. તેઓએ કહ્યું “તમે સાધુ છો ! તમારું શરીર સુંદર છે ! ઘણાં વર્ષ સુધી તમે બ્રહ્મચર્યનું પાલન કરેલું છે તો એવા મહાત્માની સર્વ પ્રકારની સેવાનો લાભ અમને મળવો જ જોઈએ. અમારે એક સાધના સાધવાની છે !” સ્વામીજી બહુજ મુશ્કેલીમાં આવી પડ્યા અને હવે અહીંઆંથી કેવી રીતે છૂટવું તેનો વિચાર કરવા લાગ્યા.

એક નાનો છોકરો સ્વામીજીની પાસે આવતો હતો. તેને સ્વામીજીએ પોતાની હકીકત કહી. તે છોકરાએ પોતાનાથી બનતું કરવાનું કહ્યું. સ્વામીજીએ એક ઠીંકરાના કડકા ઉપર પોતાની હકીકત કોયલા વડે ટુંકમાં લખી કહાડી અને તે બોલ્યા: “તારા ધોતીયામાં સંતાડીને