આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭
ગુજરાત-કાઠીયાવાડ અને મુંબઈ ઇલાકામાં.


આ લઈ જા અને લીંબડીના રાજા સાહેબને જલદીથી આપ અને મારી સઘળી હકીકત તેમને કહે.” છોકરાએ રાજા સાહેબ પાસે જઇને સઘળી હકીકત જાહેર કરી. રાજા સાહેબે માણસો મોકલીને સ્વામીજીને છોડાવ્યા અને તે સ્થળ ઉપર જાપતો રાખ્યો.

હવેથી સ્વામીજી મહારાજ સાહેબના અતિથિ થઈને રહ્યા. અહીંઆં ઘણા પંડિતો સાથે સંસ્કૃતમાં તેમણે શાસ્ત્ર ચર્ચા કરી. ગોવર્ધન મઠના શ્રીમદ્‌ શંકરાચાર્ય આ વખતે ત્યાં હાજર હતા; તે સ્વામીજીના જ્ઞાનથી બહુજ પ્રસન્ન થયા અને જુના વિચારના પંડિતો સાથે વાદવિવાદ કરવામાં સ્વામીજીએ જે સહિષ્ણુતા દર્શાવી હતી તેનાં ભારે વખાણ કરવા લાગ્યા.

લીંબડીથી તે જૂનાગઢ ગયા. જૂનાગઢની મુલાકાત વિષે લખતાં રા. રા. છગનલાલ હરિલાલ પંડ્યા લખે છે કે, “સ્વામીજીનું સાદુ જીવન, અદાંભિકપણું, વિવિધ કળા અને વિજ્ઞાનનું તેમનું ઉંડું જ્ઞાન, તેમના વિચારોની વિશાળતા, ધર્મનિષ્ટા, હૃદયભેદક વક્તૃત્વશક્તિ, આકર્ષક શક્તિઓ અને અસાધારણ વ્યક્તિત્વ – આ સર્વથી અમારાં મન ઉપર ભારે અસર થઈ. આ સદ્‌ગુણોની સાથે વળી સંગીતમાં તે ઉસ્તાદ હતા અને પાકશાસ્ત્રમાં પણ પ્રવીણ હતા. અમને તેમના તરફ પૂજ્યભાવ હતો.”

જૂનાગઢમાં વાતચિત કરતાં સ્વામીજીએ ક્રાઈસ્ટના સાધુ જીવનથી પાશ્ચાત્ય પ્રજાઓના આચાર, વિચાર, રહેણી કરણી, સાહિત્ય, સામાજીક રિવાજો અને કાયદાઓ ઉપર કેવી ભારે અસર થઈ રહી હતી તે સર્વને સમજાવ્યું. યુરોપમાં મધ્યકાળની જાહોજલાલી, રાફેલનાં ચિત્રો, સેંટ ફ્રાન્સસીસની ભક્તિ, ગોથીક દેવાલયોની સ્થાપના, ક્રુઝેડ્ઝ અને ઘણાં રાજકીય બંધારણોનું અસ્તિત્વ, એ સર્વ ક્રાઈસ્ટ જેવા સંન્યાસીના બોધનાંજ પરિણામ હતાં એમ તેમણે જણાવ્યું.