આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


રહેતી તો ક્વચિત તે શોકની છાયાથી છવાઈ રહેતું. શારદા મઠમાં તે ગયા અને વિદ્યાપીઠ તરીકેની તેની જુની પુરાણી કીર્તિને સંભારી આંખમાં આંસુ લાવવા લાગ્યા. આખરે આશાપૂર્ણ હૃદયથી તે હિંદનું યશસ્વી ભાવિ જોવા લાગ્યા.

દ્વારકાંથી માંડવી અને માંડવીથી પાલીતાણા. એક સ્થળેથી બીજે સ્થળે ફરતે ફરતે સ્વામીજીએ અનેક સ્થળોની મુલાકાત લીધી. પાલીતાણામાં સ્વામીજી એક સંગીતવેત્તા તરીકે પ્રખ્યાત થઈ રહ્યા હતા. પછીથી તે વડોદરા ગયા અને ત્યાં દિવાન બહાદુર મણીભાઈ જશભાઇના અતિથિ તરીકે રહ્યા હતા. વડોદરેથી તે ખંડવા ગયા અને બાબુ હરિદાસને ઘેર રહ્યા. બાબુ હરિદાસ તેમના વિષે લખે છે કે "તેમની વાતચિતમાં અમને જરા પણ ડોળ લાગતો નહોતો. તેમના ઉમદા વિચારો અને ઉચ્ચ ભાવો સ્વાભાવિક રીતે જ સાદી અને સરળ પણ પોતે પસંદ કરેલી ભાષામાં બહાર વહી રહ્યા હતા. તેમનામાં એક પ્રકારનું અદ્ભુત ગાંભીર્ય દેખાઈ આવતું હતું.” અહીંઆના સીવીલ જડજે સ્વામીજીના માનમાં એક ખાણું આપ્યું અને તે સમયે સ્વામીજીએ સર્વને ઉપનિષદોમાંથી કેટલાક ફકરાઓ સમજાવ્યા. ખંડવાથી મુંબઈ જતી વખતે બાબુ હરિદાસ તેમને કહેવા લાગ્યાઃ “સ્વામીજી ! તમારું ભવિષ્ય ઘણું મોટું છે.” સ્વામીજીએ જવાબ આપ્યોઃ “હું જાતે તે વિષે કાંઈ જાણતો નથી; પણ મારા ગુરૂજી મારે માટે અનેક ભવિષ્ય ભાખતા હતા.” હરિદાસને આશિર્વાદ આપીને સ્વામીજી મુંબઈ જવાને ઉપડી ગયા.

પોતાના દેશના વિચારો અને લાગણીઓથી સ્વામીજીનું હૃદય દ્રવી રહ્યું હતું ! મનમાં અનેક યુક્તિઓ, યોજનાઓ અને આશાઓ આવ્યા કરતી હતી. ઘડીકમાં તે હિંદનું યશસ્વી ભાવી નિહાળે અને ઘડીકમાં તે નિરાશાથી ખેદયુક્ત બની રહે. જાણે કે સમસ્ત ભારતવર્ષનું