આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કરી અને કહ્યું કે પ્રાચીન ઋષિઓના સર્વોપરી સિદ્ધાંતો જગતની દૃષ્ટિ આગળ મૂકવાનો અને તેમ કરીને હિંદના મહત્‌ કાર્યનો પાયો નાખવાનો તે એક સારો લાગ છે. સ્વામીજીને મદદ આપવાનું પણ તેમણે કહ્યું; પણ સ્વામીજી હજી તે બાબતમાં અનિશ્ચિત હતા. તેમણે તે બાબતનો વિચાર કરીને આગળ ઉપર જવાબ આપવાનું રાજાને કહ્યું અને તે રામેશ્વર જવાને ઉપડી ગયા.

રામેશ્વર દક્ષિણ હિંદુસ્તાનનું કાશીક્ષેત્ર છે. રામેશ્વરનું દેવાલય ઘણુંજ ભવ્ય અને સુંદર છે. એક સો ફુટ ઉંચા દરવાજામાં થઈને તે દેવાલયમાં જવાય છે. તે દેવાલય છસેં ફુટ લાંબું અને લગભગ દોઢસો ફુટ પહોળું છે. તે મોટાં મોટાં ઉઘાડાં છજાંઓ અને અગાશીઓથી અલંકૃત છે. ચાળીસ ફુટ જેટલા લાંબા અને મોટા પત્થરો તેમાં વાપરેલા આપણી નજરે આવે છે.

તીર્થયાત્રાનો પોતાનો નિશ્ચય પુરો થયો છે એવા વિચારથી સ્વામીજી હવે રામેશ્વર મહાદેવને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરી રહ્યા. અહીંનું પવિત્ર વાતાવરણ જોઈને તેમના મનમાં દક્ષિણેશ્વરના વિચારો તરી આવ્યા અને તેની તેજ પવિત્રતા તે અહીં અનુભવવા લાગ્યા. ભારતવર્ષમાં સર્વત્ર આધ્યાત્મિક આદર્શો એકનાં એકજ છે, સર્વે દેવોની પૂજા એકજ પ્રભુની પૂજા છે, તે વાતને તે હવે પ્રત્યક્ષ કરવા લાગ્યા અને તેમને અંતરાત્મા પ્રભુ તરફ અત્યંત ભાવથી છલકાઈ રહ્યો. રામેશ્વરના દેવાલયમાં અસંખ્ય યાત્રાળુઓ પૂજા, સ્તુતિ, ભજન, કીર્તન કરી રહ્યા હતા. તેમને જોઈને સ્વામીજી બોલ્યા. કે સમસ્ત ભારતવર્ષ અહીં જ છે. શ્રી શંકરાચાર્ય અને બીજા પ્રાચીન ઋષિઓની સુક્ષ્મ દીર્ઘ દૃષ્ટિનાં અને સૃષ્ટિ સૌંદર્યથી યુક્ત સ્થળોનેજ યાત્રીનાં સ્થળો બનાવીને પ્રકૃતિ અને પ્રભુ બંનેને માટે માનવ હૃદયમાં પ્રેમ ઉત્પન્ન કરવાની તેમની અગમ્ય યુક્તિનાં તે ભારે