આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

ટોટો પડશે નહિ. આર્ય ધર્મનું સાચું રહસ્ય, ગૌરવ અને દીર્ઘદ્રષ્ટિ જ્યારે પાશ્ચાત્ય ભૂમિ સમજતી થશે ત્યારે જ તેનો દાખલો લઇને ભારતવાસીઓમાં ધાર્મિક જાગૃતિ થશે અને તેમાં સ્વમાન આવશે. સરસ્વતી અને લક્ષ્મી દેવીના અનેક આશિર્વાદયુક્ત પાશ્ચાત્ય ભૂમિમાં જઈને હિંદના ગરિબોની સ્થિતિ સુધારવાના માર્ગો અને સાધનો શોધીશ અને હિંદુ તત્ત્વજ્ઞાનની મહત્તા પાશ્ચાત્ય પ્રજાને સમજાવીશ. આ પ્રમાણે સ્વામીજીએ પશ્ચિમમાં જવાનો નિશ્ચય કર્યો.

આગળ ઉપર એક વખત પોતાના એક પાશ્ચાત્ય શિષ્યની આગળ વાત કરતે કરતે સ્વામીજી બોલ્યા હતા કે, “આખા ભારતવર્ષનું હું નાનું સ્વરૂપ છું.” તેમનું હૃદય જાણનારને એ શબ્દો નવાઈ જેવા લાગશે નહિ.

પ્રકરણ ૩૦ મું-સાધુજીવનના કેટલાક
જાણવા જેવા બનાવો.

હિંદુસ્તાનમાં જ્યારે સ્વામીજી સાધુ તરીકે પર્યટણ કરી રહ્યા હતા ત્યારે તેમના સંબંધમાં અનેક અલૌકિક બનાવો બની રહ્યા હતા. તે બનાવો વિષે સ્વામીજી કોઈને વાત કરતા નહોતા. છતાં પ્રસંગોપાત કેટલીક બીનાઓ તેમના મુખમાંથી નીકળી જતી. પણ ઘણી બીનાઓ તેમના શિષ્યો અને મિત્રોએ કહેલી કે લખી મોકલેલી છે. તે બીનાઓ સ્વામીજીની આંતરવૃત્તિઓ, આધ્યાત્મિક શક્તિ, પ્રભુ ભક્તિ, વિશાળ હૃદય અને પ્રભુકૃપાના ભવ્ય નમુનારૂપ છે. તેથી કરીને તેમાંની કેટલીકનું વર્ણન અહીં આપવું ઉચિત છે. તે બીનાઓ કયે સમયે બની હતી તે કાળ નક્કી નહિ થવાથી તેમને અહીંઆ એકઠીજ આપવામાં આવેલી છે.