આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

अनन्याश्चिन्तयन्तो मां ये जना पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥

પેલો મારવાડી વાણીઓ તો આ બનાવ જોઈને ઝંખવાણોજ પડી ગયો. પોતાની વર્તણૂંકને માટે તે સ્વામીજી પાસે માફી માગવા લાગ્યો અને સ્વામીજીના પગની રજ લઈને પોતાને શિરે ચઢાવી.

વળી એક બીજીવાર રજપુતાનામાં થઈને સ્વામીજી જતા હતા, તે વખતે પણ એક રમુજી બનાવ બન્યો હતો. તે બનાવ સ્વામીજીની હિંમત અને હસમુખા સ્વભાવનો એક નમુનો છે. તે આગગાડીમાં જતા હતા. તેમના ખાનામાં બે અંગ્રેજો હતા. સ્વાભાવિક રીતે જ તેઓ દેશીઓ પ્રત્યે તિરસ્કારની દૃષ્ટિથી જોતા હતા. સ્વામીજીને તેઓ એક અજ્ઞાની સાધુ ધારીને તેમની મશ્કરી કરવા લાગ્યા. તેઓ અંગ્રેજીમાં વાત કરતા હતા અને સ્વામીજી અંગ્રેજી સમજતા નહિ હોય તેમ ધારીને હસતા હતા. સ્વામીજી ગુપચુપ બેસી રહીને એક સાધુને છાજે તેમ તેમના બોલવાની દરકાર કરતા નહોતા. આગળ જતાં ગાડી એક સ્ટેશન આગળ ઉભી રહી અને ત્યાંના સ્ટેશન માસ્તર પાસે સ્વામીજીએ પીવાનું પાણી માગ્યું. તે માસ્તર તેમનો મિત્ર હતો. અંગ્રેજી ભાષામાં પાણી માગતા જોઈને પેલા અંગ્રેજો મનમાં સમજ્યા કે સ્વામીજીએ અંગ્રેજીના બે ચાર શબ્દો ગોખી રાખ્યા હશે; તેથી પાછી ફરીથી તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા. સ્વામીજી તો જાણે કે કંઈ જાણતાજ ન હોય તેમ ગુપચુપ બેસીજ રહ્યા; પરંતુ અંગ્રેજો હદપાર જવા લાગ્યા ત્યારે સ્વામીજીએ મૌનનો ત્યાગ કર્યો. પેલા અંગ્રેજો હવે મનમાં સમજ્યા કે આ સાધુને તો અંગ્રેજી સારી પેઠે આવડે છે અને આપણે જે જે બોલ્યા હતા તે સઘળું તે સમજ્યા છે; તેથી તેઓ જરાક ગભરાયા અને સ્વામીજી આટલો વખત મૌન કેમ ધારણ કરી રહ્યા હતા તેનું કારણ પૂછવા લાગ્યા. સ્વામીજી