આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પોતાના પ્રવાસનો પુરેપુરો લાભ લઈને ભારતવાસીઓને ઉત્તમ શિક્ષણના ભોક્તા કરેલા છે. સ્વદેશ પ્રત્યે તે પોતાનું કર્તવ્ય બજાવતા, પણ તેમનો અંતરાત્મા સર્વદા સાધુઓના ઉચ્ચ આદર્શ-બ્રહ્મમયતા તરફજ વળેલો રહેતો. વખતો વખત તેઓનું ચિત્ત એકાગ્ર બની જઈ સર્વ વ્યાપક પરબ્રહ્મના ધ્યાનમાં તન્મય બની જતું અને જગતનું ભાન તેઓ ભૂલી જતા. જગતના ભાન દરમ્યાન પણ સર્વ વૃત્તિઓના સાક્ષીભાવનું સ્ફૂરણ વખતો વખત થયા કરીને શુદ્ધ સંન્યાસવૃત્તિ તેમના અંતઃકરણમાં તરી આવતી. તે વખતે તેઓ બીજી સર્વ બાબતોને જતી કરીને એકાંતમાં પરબ્રહ્મનું ધ્યાન કરવાનીજ ઇચ્છા કરી રહેતા. દંડ અને કમંડલું લઈને પગે ચાલતાં ચાલતાં તે જ્યારે પ્રવાસ કરતા ત્યારે વિરક્તિના મસ્ત ભાવ તેમના હૃદયમાં ઉછળી રહેતા અને તેમનું ચિત્ત ગુરૂ, ઇશ્વર કે આત્માના વિચારમાં જોડાઈ જતું. સ્વામીજીને પ્રભાતના અને સાયંકાળના શાંત સમયમાં ફરવાનું ઘણું ગમતું અને તે સમયે અરણ્યો અને મેદાનમાં પ્રસરી રહેલી શાંતિ તેમના તત્વચિંતક હૃદયમાં અનેક સત્યોને જાગૃત કરતી. વારંવાર તે કોઈ નદીને કિનારે કે વૃક્ષોની ઘટામાં જઈને બેસતા અને આત્મચિંતન કરતા. પરંતુ સ્વામીજીને હાથે જે મહાન કાર્ય થવાનાં હતાં તેને લીધે તેમના આત્મચિંતનના શાંત સમયમાં પણ જાણે કે તેમની આધ્યાત્મિક શક્તિઓ અને તેમનો દયાળુ સ્વભાવ તેમને જનસેવાના પ્રવાહમાં ઘસડતો હોય એવું તેમને લાગતું હતું. તેમને વારં વાર લાગી આવતું કે તેમણે મેળવેલાં આધ્યાત્મિક જ્ઞાન અને અનુભવો માત્ર તેમને પોતાનેજ માટે નથી; પરંતુ તેમણે તેને બીજાઓને દાન કરવાનું છે. શ્રી રામકૃષ્ણદેવ પણ તેમજ કહેતા હતા.

સ્વામીજીનો નિશ્ચય ધીમે ધીમે દ્રઢ થતો ગયો કે પાશ્ચાત્યોને સનાતન ધર્મનું રહસ્ય સમજાવ્યા વગર તેમના મનની લોકહિતની