આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯
મદ્રાસ અને હૈદ્રાબાદ.


હતા. તેમનું ઘર શ્રેતાઓથી ભરપૂર રહેવા લાગ્યું. સ્વામીજીમાં એક પ્રકારની નમ્રતા હતી, પણ તેની સાથે તેમનામાં જાહેર હિંમત અને સ્વશક્તિનું ભાન હતું. શ્રોતાજનોના ઉપર જાણે કે આકાશમાંથી એક વાદળ તૂટી પડતું હોય તેમ તેમના જવાબ તૂટી પડતા અને સર્વને પોતાના પ્રવાહમાં ઘસડી જતા. સ્વામીજીનામાં કોઈ પણ જાતનો દંભ નહોતો. પ્રાચીન ગુરૂઓની માફક તે કોઈ પણ જાતના પ્રતિબંધ વગર સર્વેને બોધ આપતા. કોઈને તે કટુ વચન કહેતા નહોતા, પણ ટીકા કરવાની આવશ્યકતા હોય તો તે કર્યા વગર પણ રહેતા નહોતા. એક પંડિતે તેમને પ્રશ્ન પૂછ્યો “પ્રાતઃ, મધ્યાન્હ અને સાયંકાળમાં સંધ્યાવંદનાદિ ન કરીએ તો ન ચાલે? અમને વખત મળતો નથી.” સ્વામીજી એકદમ ઝનુનમાં આવી ગયા અને જવાબ આપવા લાગ્યાઃ “શું ! આપણા પ્રાચીન ઋષિ-મુનિઓ જે અનેક કાર્યો કરી રહ્યા હતા અને બુદ્ધિ અને જ્ઞાનમાં જેમની આગળ તમે માત્ર પતંગીયાં જેવાજ છો, તેમને વખત હતો અને તમારે નથી ?” પાશ્ચાત્ય રિવાજોને પસંદ કરનારો એક હિંદુ સુધારક વૈદિક ઋષિઓનું ઘસાતું બોલવા લાગ્યો અને તેમના ઉપદેશોને અર્થ વગરના ગણવા લાગ્યો. સ્વામીજી એકદમ તેના ઉપર પૂર્ણ જુસ્સાથી વાક્પ્રહાર કરી રહ્યા. તે બોલ્યાઃ “અલ્પ જ્ઞાનથી ભાઇ, તમારું મગજ ખરાબ થઈ ગયેલું છે. તમે તમારા પૂજ્ય બાપદાદાઓ ઉપર ટીકા કરવાની હિંમત શી રીતે કરી શકો છો ? આ પ્રમાણે બોલીને તમે તમારી નસોમાં તમારા બાપદાદાઓનું જે લોહી વહી રહેલું છે તેને વગોવો છો, ઋષિઓની પ્રાચીન વિદ્યાની તમે કદી પરિક્ષા કરી છે ? તમે વેદો વાંચ્યા છે ? ઋષિમુનિઓએ પોતાની વિદ્યાને સર્વ માટે ખુલ્લી મૂકી છે. તેમના ઉપદેશોની પરિક્ષા કરો અને તે તમને જરાએ અપૂર્ણ જણાશે નહિ. તમારા જેવા કેળવાયલાઓના આવા