આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


દુરાગ્રહ અને એકપક્ષી જ્ઞાનને લીધેજ હિંદુ પ્રજા આજે તિરસ્કારને પાત્ર બની રહી છે.”

સાયંકાળના સમયમાં સ્વામીજી ફરવાને માટે જતા અને સમુદ્ર કિનારે જઈને બેસતા. ત્યાં માછીઓનાં અડધાં ભૂખે મરતાં કંગાલ છોકરાંઓને પોતાની માતા સાથે કેડ સુધી પાણીમાં કામ કરતાં જોઇને એક વખત સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયાં અને તે બોલ્યા : “પ્રભુ ! તું આવાં કંગાલ મનુષ્યોને શા માટે ઉત્પન્ન કરે છે ? મારાથી તેમને જોઇ શકાતાં નથી. પ્રભુ ! ક્યાં સુધી ! કયાં સુધી !” તેમની સાથેના મનુષ્યોને પણ સ્વામીજીની લાગણી જોઈને અશ્રુ આવી ગયાં. તે મનુષ્યો મદ્રાસના યુવાનો હતા. તેમનાં અંતઃકરણમાં સ્વામીજીએ દૃઢ સ્વદેશભક્તિ અને પ્રભુપ્રેમનો વાસ કરાવ્યો હતો. અહીં અનેક વિષય ઉપર વાતચિત ચાલતી હતી. સ્વામીજી સર્વેનાં અંતઃકરણમાં ધર્મના પ્રચારની આવશ્યકતા, સામાન્ય અને ગરિબ વર્ગોની કેળવણી, વગેરે વિષયો દૃઢીભૂત કરતા હતા. તે કહેતા કે “યુગની સિદ્ધિઓ કે ચમત્કારોને માટે કદી ઈચ્છા કરતા નહિ. તમારા મોક્ષની પણ પરવા નહિ કરતાં બીજાઓની મુક્તિને માટે પ્રયાસ કરે. ધર્મનો પુનરોદ્ધાર કરો. આ તત્વજ્ઞાનને અખિલ વિશ્વમાં ફેલાવો. એશિઆની વિદ્યાનું હિંદ કેન્દ્રસ્થાન છે અને હિંદુ પ્રજાની પુનઃ વ્યવસ્થા કરવાની અને ધર્મને પુનઃ સ્થાપવાની ફરજ ભારતવર્ષના યુવાનોને સાથે રહેલી છે.”

એક વખત સાયંકાળના સમયમાં સ્વામીજીના માનમાં એક મોટી મિજલસ ભરવામાં આવી હતી. મદ્રાસના સઘળા કેળવાયેલા પુરૂષો ત્યાં હાજર હતા. ઘણા માણસો સ્વામીજીની અગાધ બુદ્ધિથી અંજાઈ ગયા હતા. કેટલાક વિદ્વાનોની એક મંડળી તે વખતે ત્યાં એકઠી થઈ અને તેણે સ્વામીજીને વાદવિવાદમાં હરાવવાનો નિશ્ચય