આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭
મદ્રાસ અને હૈદ્રાબાદ.


દાખવતા નજરે પડતા. આધ્યાત્મિક વિષયમાં સ્વામીજી જે નિપુણતા ધરાવતા હતા તે ઉપરાંત જે ગુણ વડે સર્વેનાં મન ઉપર વધારે અસર થઈ હતી, તે સ્વામીજીનું નિઃસીમ સ્વદેશાભિમાન હતું. સ્વામીજીએ યુવાવસ્થામાં ઘરબારનો ત્યાગ કર્યો હતો અને સર્વ સાંસારિક બંધનોથી મુક્ત થયા હતા; પણ પોતાની માતૃભૂમિ પ્રત્યે તેમનો પ્રેમ કાયમજ હતો. તેમને જો કશી વાતથી દુઃખ થતું હોય તો તે ભારતવર્ષની અવનતિને લીધેજ થતું હતું. તે અવનતિના ઉપાયની કલ્પનાઓ તેમના મનમાં ઉઠતી અને તેમને તેમના શ્રોતાઓ આશ્ચર્યથી સાંભળી રહેતા. હિંદુ તરૂણોની શારીરિક દુર્બળતા જોઈને તેમને અત્યંત ખેદ થતો અને પોતાનાં ભાષણોદ્વારા તેને માટે તે સર્વેની ઝાટકણી કહાડતા. તેમના શબ્દ વિજળીની માફક નીકળતા અને એક શસ્ત્રની માફક શ્રોતાઓ ઉપર પ્રહાર કરતા. તેમના બોધની અસર સર્વેના ઉપર થઈ છે. તેમનો ઉત્સાહ કેટલાકના હૃદયમાં તો પુષ્કળ રેડાય છે અને થોડાંના હૃદયમાં તેમની દૃઢ શ્રદ્ધાની જ્યોતિ અતિશય ઝળહળી ઉઠી છે.”

સઘળાં દર્શનો, આગમો અને યોગની જાણે કે હાલતી ચાલતી મૂર્તિ હોય તેમ સ્વામીજી સર્વને ભાસતા હતા. આર્ય તત્વજ્ઞાનથી તેમનું હૃદય ભરેલું હતું, એટલું જ નહિ પણ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનશાસ્ત્રમાં પણ તે પુરેપુરા નિષ્ણાત હતા. એક પાશ્ચાત્ય વિદ્યામાં પારંગત થયેલો માણસ, જે પાછળથી સ્વામીજીના શિષ્ય બની રહ્યો હતો તે તેમના વિષે લખે છે કે, “તેમની બુદ્ધિના બહોળા વિસ્તારથી હું તો ચકિત જ થઈ ગયો અને તેમના તરફ આકર્ષાયો, ઋગ્વેદથી તે રઘુવંશ પર્યત અને વેદાંતનાં ગહન તત્ત્વોથી તે અર્વાચીન કેન્ટ અને હેગલના સિદ્ધાંતો પર્યત, સઘળું પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય, કળા, સંગીત અને નીતિશાસ્ત્ર, સર્વેનો તેમણે સંપૂર્ણ અભ્યાસ