આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કરેલો હતો; તેમના માનસિક પ્રદેશમાં તે સઘળું પ્રત્યક્ષ થઈ રહેલું હતું. પ્રાચીન યોગવિદ્યાનાં ગુહ્ય તત્ત્વોને જેટલી સ્પષ્ટતાથી તે સમજાવતા તેટલીજ સ્પષ્ટતાથી તે આધુનિક સમયની પ્રયોગશાળાની બારિકીઓ સામાના મનમાં ઉતારતા. તેમની બુદ્ધિ કોઈ પણ વિષયમાં કુંઠિત થયેલી જણાતી નહોતી. આથી હું ચકિત બની ગયો અને તેમનો દાસ થઈ રહ્યો.”

વળી એક બીજો શિષ્ય લખે છે કે, “ઘણી વખત સ્વામીજીને પોતાના ઉચ્ચ વિચારોના વાતાવરણમાંથી નીચે ઉતરવું પડતું હતું અને તેમને પ્રશ્ન કરનારાઓના અધિકાર પ્રમાણે તેમને સમજુતી આપવી પડતી હતી. વારંવાર પહેલેથીજ તે ક્યા કયા પ્રશ્નો પૂછાશે તે સમજી જતા અને તેમના ઉત્તરો વગર પૂછ્યે આપી જ દેતા અને શ્રોતાઓના મનનું સમાધાન થઈ જતું. પ્રશ્નોને તે શી રીતે જાણી શક્યા એમ જ્યારે તેમને પૂછવામાં આવતું ત્યારે તે હસતે હસતે જવાબ આપતા કે સંન્યાસીઓ મનુષ્યોના વૈદ્યો છે, અને તેઓ ઔષધિ આપતાં પહેલાં મનુષ્યોના રોગો નજરે જોવાથી પણ પારખી શકે છે.”

ઘણી વખત ઘણા માણસોના વિચારને તે એકદમ જાણી લેતા અને તેમને સર્વેને એકજ વાક્યહારથી ચુપ કરી દેતા. જેમના ઉપર તેમની કૃપા થતી તેમને તે અતિ નમ્ર અને ક્ષમાશીલ દેખાતા, પણ તેમની સંનિધિમાં રહેનાર મનુષ્યને જાણે કે ઝટ સળગી ઉઠે એવા દારૂગોળાની સમીપમાં તે રહેતા હોય એમ સાવચેતીથી રહેવું પડતું, કારણકે જો કદી કોઇના મનમાં કોઈ પણ અપવિત્ર વિચાર સંચાર થાય તો સ્વામીજી તેને એકદમ જાણી જાય અને તેમના મુખ ઉપર એક પ્રકારનો ભાવ જણાઈ રહે. પછી એક પ્રકારના વિચિત્ર હાસ્યથી સ્વામીજી પોતાનો તે ભાવ વાણીમાં પ્રગટ કરે અને વાતચિતમાં તેમના મુખમાંથી તે સંબંધી કેટલાક શબ્દો નીકળી પડે.”