આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૮


ઘણા શિક્ષિત પુરૂષ એમ ધારે છે કે સુધારો એટલે યાંત્રિક શક્તિઓનું દેશમાં દાખલ થવું; રેલ્વે, તાર અને એવાં અનેક સુખનાં સાધનો સ્થળે સ્થળે સ્થાપિત કરવાં; અને પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્રના બળથી લોકોના ઐહિક સુખમાં વધારો કરવો. પણ સુધારો એ શબ્દનો અર્થ બહુજ ઉંડો છે. ખરો સુધારો તો એ છે કે જે મનુષ્યને જડ વસ્તુસ્થિતિઓ તરફની દોડમાંથી પાછો વાળીને ઉપર જણાવેલી સચ્ચિદાનંદમય સંપૂર્ણતાનો સાક્ષાત્કાર કરવા તરફ પ્રેરે છે; અને જીવાત્મા જે દિવ્ય શક્તિથી છૂટા પડી ગયા છે તેને તે શક્તિ તરફ જવાને દોરે છે. પરમાત્મ સાક્ષાત્કાર પણ એનું જ નામ છે. ભગવતી શ્રુતિ આ સાક્ષાત્કારને ઉદ્દેશીને કહે છે કે यल्लामात्र परोलाभो यत् सुखान्न परं सुखम् । અર્થાત્ એ લાભ કરતાં વધે તેવો કોઈ પણ લાભ નથી, અને એ સુખ કરતાં વધે એવું કોઈ સુખ નથી. મનુષ્ય જ્યારે એ અનુપમ લાભને અનુભવે છે ત્યારેજ તેનો માનવજન્મ સફળ થાય છે; અને એવા માણસને જ ખરા અર્થમાં સુધરેલો કહી શકાય તેમ છે. આવા સત્ય અને નિત્યસુખનું ભાન કરાવી મનુષ્યોને તે તરફ વાળવા એનું નામજ સત્ય સુધારણા કહી શકાય.

આવા સર્વોત્કૃષ્ટ આદર્શના આવિર્ભાવ અને વિકાસ રૂપેજ આ જીવનકથાના નાયકનું જીવન હતું. યુવાવસ્થામાંથી જ સંસારની સર્વ લાલચ અને વાસનાઓનો ત્યાગ કરી શમદમાદિ સાધનસંપન્ન થઈ બ્રહ્મનિષ્ઠ ગુરૂનાં ચરણને સેવી, અધ્યાત્મવિધાનાં ગુહ્ય તત્ત્વોને ગ્રહણ કરી, યુગને સાધી, પ્રથમ આત્માનો સાક્ષાત્કાર તેમણે કર્યો હતા; અને તે પછીજ જગતનું કલ્યાણ કરવા નીકળી પડીને તેમણે પોતાનું સઘળું જીવન, વેદાન્તનાં રહસ્ય ફેલાવવામાં અને પરોપકારનાં કાર્યો કરવામાં ગાળ્યું હતું. હિંદુધર્મના પ્રતિનિધી તરિકે અમેરિકા અને ઈંગ્લાંડાદિ પાશ્ચાત્ય પ્રદેશોમાં જઈ સનાતન આર્યધર્મનો ભગવો ઝુંડો