આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૩૩ મું-અમેરિકામાં પડેલી મુશ્કેલીઓ.

યોકોહોમાથી સ્વામીજી નીકળ્યા અને વાનકુવર જઈ પહોંચ્યા જુની દુનિયામાંથી તે હવે નવી દુનિયામાં આવી પહોંચ્યા. વાનકુવરમાં ઉતર્યા પછી આગગાડીમાં તે શિકાગો ગયા. સમુદ્રની મુસાફરી દરમીયાન તેમને ઘણી ટાઢ વેઠવી પડી હતી, કેમકે તેમની પાસે પુરતાં ગરમ કપડાં હતાં નહિ. શીકાગોમાં અનેક મુશ્કેલીઓ તેમના માર્ગમાં આડે આવવા લાગી. તેમને પરદેશી ધારીને મજુરો, વીશીવાળાઓ વગેરે બમણા ત્રમણા પૈસા તેમની પાસેથી લેવા લાગ્યા. પરદેશી ભૂમિમાં તે એકલા જ હતા. તેમનું ચિત્ત અત્યારસુધી મુખ્ય ભાગે ઈશ્વર તરફ જ રહ્યા કર્યું હતું. હવે તેઓ અમેરિકાના એક વધારેમાં વધારે પ્રવૃત્તિ અને ઘોંઘાટવાળા શહેરમાં આવી પડ્યા હતા, અત્યારસુધી મુખ્ય કરીને તેઓ વિચારસૃષ્ટિમાંજ વિચરી રહ્યા હતા અને જગતના પ્રપંચનો અનુભવ તેમને વિશેષ હતો નહિ. શિકાગોમાં એક વીશીમાં તેમણે મુકામ કર્યો. સર્વ ધર્મ પરિષદ્ ક્યારે ભરાવાની છે તેની તપાસ કરવાને તે હમેશાં જવા લાગ્યા. અમેરિકામાં આવતાં પહેલાં તેમણે જે કાર્યો કરવાનો વિચાર કર્યો હતો તે પાર પડવાં મુશ્કેલ જણાવા લાગ્યા. અહીં તેમને અનેક મુશ્કેલીઓમાંથી પોતાનો માર્ગ કરવાનો હતો. અનેકવાર સ્વામીજી નિરાશ થઈ ગયા અને અનેકવાર તેમણે પાછા જવાનો વિચાર કર્યો. તેમને ખબર મળી કે સર્વધર્મ પરિષદ હજી બેએક મહિના સુધી ભરાવાની નથી. આટલા લાંબા વખત સુધી શિકાગોનું ખર્ચ ઉપાડવાનું તેમની પાસે સાધન નહોતું. વળી રસ્તામાં જતાં છોકરાઓ તેમના વિચિત્ર પોશાકને લીધે તેમની પાછળ પડતા. સખત ટાઢમાં તેમને પોતાના દિવસો કહાડવા પડતા. સ્વામીજી આ સઘળું ધીરજથી સહન કરવા લાગ્યા.