આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કાર્યવાહકો સાથે ઓળખાણ હતું, તેથી તેમણે એકદમ પ્રતિનિધિઓને ચુંટનાર મંડળીના અધ્યક્ષને લખી મોકલ્યું કે “અહીંઆ એક માણસ છે; તે સઘળા વિદ્વાન પ્રોફેસરોનું જ્ઞાન એકઠું કરીએ તેના કરતાં પણ અધિક જ્ઞાન ધરાવે છે.” પછીથી તેમણે સ્વામીજીને શિકાગો જવાનું ભાડું પણ આપ્યું અને પૂર્વના પ્રતિનિધિઓની ગોઠવણ કરનાર મંડળી ઉપર કેટલાક ભલામણ પત્ર પણ આપ્યા.

સાયંકાળનો સમય થવા આવ્યો હતો. એ વખતે સ્વામીજી શિકાગોના સ્ટેશન ઉપર ઉતર્યા. ત્યાંથી પરિષદ્‌ની ઓફીસમાં તેમને જવાનું હતું અને તેના અધ્યક્ષ ડો. બેરોઝને મળવાનું હતું. પણ મોટા શહેરમાં ક્યાં જવું તે એમને જડે નહિ, આમતેમ તપાસ કરતે કરતે રાત પડવા આવી. ભોગ જોગે પ્રોફેસરે આપેલું શિરનામું પણ ખોવાઈ ગયું હતું ! સ્વામીજી બહુ આથડ્યા, પણ કંઈ પત્તો ખાધો નહિ. આખરે થાકીને સ્ટેશનના કંપાઉન્ડમાં એક ભાગલી પેટીના ખોખામાં આખી રાત સુઈ રહ્યા. સવારે ઉઠીને તેઓએ પાછી તપાસ કરવા માંડી. પણ ક્યાં જવું તે સુઝે નહિ આખરે થાક લાગવાથી તેઓ એક રસ્તા ઉપર એક ભવ્ય મહેલની સામી બાજુએ બેશી ગયા ! આખી રાતના તે ભુખ્યા હતા અને તેમનો આધાર માત્ર પ્રભુ ઉપરજ હતો. બેઠા પછી થોડીજ વારમાં એકદમ પેલા મેહેલના બારણામાંથી એક સભ્ય સ્ત્રી બહાર નીકળી અને સ્વામીજી તરફ તેની નજર પડતાંજ તે તેમની પાસે જઈને કહેવા લાગી કે “તમે સર્વધર્મપરિષદમાં એક પ્રતિનિધિ તરીકે આવેલા છો ?” સ્વામીજીએ પોતાની મુશ્કેલીઓ કહી બતાવી. એકદમ તે તેમને પોતાના ઘરમાં લઈ ગઈ અને તેમને માટે નાસ્તા પાણીનો બંદોબસ્ત કર્યો. સ્વામીજી નાસ્તો લઈ રહ્યા પછી તે સ્ત્રી જાતેજ તેમને પરિષદ્‌ની ઓફીસમાં લઈ ગઈ અને દરેક બાબતમાં તેણે ઉપયોગી