આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સર્વ સામાન્ય ધાર્મિક તત્ત્વોને નિષ્પક્ષપાતથી સમજાવવાને આવ્યા હતા. સઘળાઓ પોતપોતાના જ્ઞાનબળ ઉપરજ આધાર રાખતા હતા. ત્યારે સ્વામીજી પોતાને પ્રાચીન ઋષિઓના સિદ્ધાંતો અને પ્રભુનાં અગાધ સત્યને દર્શાવનારું એક સાધન માત્રજ ગણતા હતા .વ્યાખ્યાનની શરૂઆતમાં સર્વે એ એકદમજ આરંભ કર્યો હતો, પણ પ્રભુના સાચા ભક્ત સ્વામીજીએ એક બાળકની માફક અત્યંત નમ્રતાથી પ્રભુની પ્રાર્થના કરી હતી કે,

मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्॥
यत्कृपा तमहं वंदे परमानंदमाधवम् ॥

આ રીતે નિરભિમાનપણાથી અને શુદ્ધ સાચા ભક્તિભાવથી, ઈશ્વર ઉપરજ આધાર રાખીને તેમણે પોતાનું વ્યાખ્યાન શરૂ કર્યું હતું.

પ્રાચીન ઋષિઓના સિધ્ધાંતોની સત્યતામાં તેમને અનહદ વિશ્વાસ હતો. પોતે માથે લીધેલા કાર્યની ઉપયોગિતા તે દૃઢપણે માનતા હતા. તેમણે એક ટુંકું જ વ્યાખ્યાન આપ્યું હતું. બીજે દિવસે અમેરિકાનાં સઘળાં વર્તમાનપત્રોએ એક અવાજે જાહેર કર્યું કે સ્વામી વિવેકાનંદનું વ્યાખ્યાન સર્વથી શ્રેષ્ઠ છે. સ્વામીજીની ખ્યાતિ આખા અમેરિકામાં પ્રસરી રહી. પરિષદ્ માં કોઈ પણ ધારતું નહોતું કે એમના જેવો એક અત્યંત સાદો અને શરમાળ મનુષ્ય આખી પરિષદ્ નો એક પ્રકાશિત તારો બની રહેશે. પણ સ્વામીજીની આકૃતિ ભવ્ય હતી, હિંદી પોષાકમાંજ તેઓ હાજર થયા હતા, તેમનો અવાજ સંગીત જેવો મધુર હતો, તેમની વક્તૃત્વશક્તિ સ્વાભાવિક, મોહક અને અગાધ હતી, વિષયને પ્રતિપાદન કરવાની તેઓ અલૌકિક કુશળતા ધરાવતા હતા. અને ભારતવર્ષના ધર્મો તથા તત્ત્વજ્ઞાન, જેના ઉપર તેમનું વ્યાખ્યાન થયું હતું, તેમાં તેમણે ઉંડો પ્રવેશ કરેલો હતો.