આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૯
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વિશાળ હેતુઓને અજાણ્યે અનુમોદન મળી રહ્યું હતું. જ્યારે બીજાઓ માત્ર પોતપોતાના પંથોનીજ વાત કરી રહ્યા હતા ત્યારે સ્વામીજી “સર્વ ધર્મો સત્યરૂપ એકજ વૃક્ષનાં જુદાં જુદાં ડાળપાંખડાં છે, સર્વે મોક્ષરૂપી ફળ આપનારા છે.” એમ કહી રહ્યા હતા.

ભાષણ પુરૂં થયા પછી સર્વ શ્રોતાઓ જાણે કે કોઈ અલૌકિક પ્રકાશમય સૃષ્ટિમાં વિચરતા હોય તેમ અતિશય આનંદાવેશમાં આવી જઈ સ્વામીજી તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા અને પુષ્કળ તાળીઓનો અવાજ કરવા લાગ્યા.

એ પછી થોડા દિવસ રહીને સ્વામીજીએ તેજ પરિષદ્‌માં “હિંદુ ધર્મ” વિષે નિબંધ વાંચ્યો. તેમાં હિંદુઓનું તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર અને બીજા અનેક વિશાળ વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શ્રુતિ એટલે શું, વેદો નિત્ય સત્યોજ છે, પુનર્જન્મ એટલે શું, કર્મનો ભવ્ય સિદ્ધાંત, રૂષિઓ કોણ હતા, આત્માનું અનાદિત્વ, જગતનું અનાદિત્વ, આત્માની સ્વાભાવિક શુદ્ધતા, નિત્યતા અને મુક્તતા, ટુંકમાં વેદાન્તનાં સર્વ મુખ્ય સત્યોને સ્વામીજીએ ઘણીજ સરળ ભાષામાં અને આધુનિક વિજ્ઞાન શાસ્ત્રનાં પ્રમાણોની સાથે સમજાવીને વેદાન્તની વિશાળતા અને સર્વગ્રાહિતા સિદ્ધ કરી બતાવી. મોક્ષના વિષયમાં તેમણે કહ્યું કે, “જ્યારે વિશ્વના જીવન સાથે-સર્વાત્મા સાથે હું એક થઈ રહું ત્યારેજ જન્મ મરણની આવૃત્તિઓ થતી બંધ પડે; જ્યારે હું સુખરૂપજ-સુખ પોતેજ બની રહું ત્યારેજ સઘળાં દુઃખોનો સદાને માટે નાશ થઈ શકે; અને જ્યારે હું જ્ઞાનરૂપજ-જ્ઞાન પોતેજ બની રહું ત્યારે સઘળી ભુલો સદાને માટે થતી અટકે. અને આ પ્રમાણેજ થવું જોઈએ એમ વિજ્ઞાનશાસ્ત્ર પણ કહી રહ્યું છે. વિજ્ઞાનશાસ્ત્રે સાબીત કરી બતાવ્યું છે કે માનવ દેહ અને તેમાં બંધાયેલો દેહાત્મભાવ અસત્ય છે, મિથ્યા છે. જડતાના અગાધ