આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૩
સર્વધર્મપરિષદ.


કરી જોવો એના કરતાં બીજો વધારે પ્રબળ પુરાવો એકે નથી. ખ્રિસ્તીઓની “અનંત નારકીય દુઃખ” અને “અનંત સ્વર્ગીય સુખ”ની માન્યતાને સ્વામીજીએ તોડી નાંખી અને કહ્યું કે અંતવાળી વસ્તુ અનંત સુખને પ્રાપ્ત કરાવી શકે જ નહિં. આવી રીતે સ્વામીજીએ પોતાના બોધથી અમેરિકામાં એક નવોજ ધર્મ પ્રવર્તાવી મુક્યો હતો. તેમના બોધથી ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો ઉપર નવુંજ અજવાળું પડી રહ્યું હતું. આજે લંડનમાં સેંટ પોલના દેવળમાં અને અમેરિકાનાં મુખ્ય દેવળામાં “પુનર્જન્મ” અને “મનુષ્ય દેવ છે” એ વિષય ઉપર જે નવીન બોધ આપવામાં આવે છે તેને માટે સઘળા પાદરીઓ સ્વામીજીનાજ આભારી છે. પરિષદ્‌માં ખ્રિસ્તી ધર્માધ્યક્ષો, પંડિતો અને સુપ્રસિદ્ધ ધર્મોપદેશકો હતા, પણ સઘળા સ્વામીજીના વિશાળ વિચારોથી ચકિત થઈ ગયા હતા. સ્વામીજીનું વક્તૃત્વ, તેમના મુખ ઉપર છવાઈ રહેલો સૌંદર્યનો, બુદ્ધિનો અને બ્રહ્મનિષ્ટતાનો પ્રકાશ, અંગ્રેજી ભાષા ઉપરનો અસામાન્ય કાબુ, પૌર્વાત્ય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં તેમણે મેળવેલી પ્રવીણતા, તેમની સાદાઈ, ત્યાગ અને બ્રહ્મચર્ય વૃત્તિ, આ સર્વે બાબતો શ્રોતાઓનાં હૃદય ઉપર ભારે અસર ઉપજાવી રહી. પરિષદમાં એકઠા થયેલા સર્વે ભાગ્યેજ જાણતા હતા કે ભારતનો એક શરમાળ અને નવયુવક સંન્યાસી શ્રોતાજનોનાં હૃદયને અન્ય સર્વ કરતાં વધારે આકર્ષી લેશે ! તેમને આ વાતની પણ ભાગ્યેજ ખબર હતી કે પાશ્ચાત્ય તત્વવેત્તાઓ અને ધાર્મિક સુધારકોનાં આદર્શોથી પણ ચ્હડી જાય એવા ભવ્ય વિચારોથી ભારતીય વેદાન્ત ભરેલું છે !

સ્વામીજીએ જે દિવસે પોતાનું પ્રસિદ્ધ ભાષણ આપ્યું તેજ દિવસથી ઘણા મનુષ્યો તેમની પાછળ પાછળ ફરવા લાગ્યા. પરિષદના મકાનમાં પેસતાં અને તેમાંથી બહાર જતાં હજારો સ્ત્રીઓ તેમની