આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તે આખો દિવસ ગુંથાયલા જણાતા. ધર્મોપદેશની સાથે સ્વામીજી અમેરિકન પ્રજાનું જીવન, વિચાર, રીતભાત સર્વેનું બારીક અવલોકન કરતા અને તેમાંનું કંઈ પણ ભારતવર્ષના મહાપ્રશ્નોનું નિરાકરણ કરવામાં કામ લાગે એવું છે કે નહિ તે જોતા. ભારતવર્ષના કલ્યાણનો વિચાર તેમના મગજમાંથી ક્ષણવાર પણ ખસતો નહોતો.

હવે યુનાઇટેડ સ્ટેટ્સનાં મુખ્ય મુખ્ય શહેરોમાં ભાષણ આપવાને સ્વામીજીને આમંત્રણો આવવા લાગ્યાં. ભાષણો કરાવનારી એક મંડળીએ તેમને પોતાના કાર્ય માટે રાખ્યા અને તેમણે ઘણાં સ્થળોમાં ભાષણો આપ્યાં. પણ કોઈના નોકર થઈને કામ કરવું એ સ્વામીજીને જરાકે ફાવતું નહિ. વળી ખરેખરા જિજ્ઞાસુ હોય તેમનેજ ધર્મના સિદ્ધાંતોનો બોધ કરવો એવો તેમનો વિચાર હતો. તેથી કરીને તે મંડળી સાથે પોતાના સંબંધ સ્વામીજીએ તોડી નાંખ્યા. હવે તે એક સ્થળેથી બીજે સ્થળે સ્વતંત્રપણે બોધ કરતા વિચરવા લાગ્યા અને બોધના બદલામાં કંઈ પણ લેવાનો ઇનકાર કરવા લાગ્યા. કોઈના આગ્રહથી જો કાંઈ તેઓ લેતા તો તે ભારતવર્ષની કોઈ પણ સંસ્થાના નિભાવને માટેજ લેતા અને તે હિંદુસ્થાનમાં મોકલી દેતા. આ પ્રમાણે સ્વામીજીએ ભારતવર્ષની અનેક સંસ્થાઓને આશ્રય આપ્યો છે.

અમેરિકામાં ભાષણ આપતાં સ્વામીજી અમેરિકનોને આ વાત પણ સમજાવવા ચૂકતા નહિ કે ખ્રિસ્તી ધર્મથી તેઓ કેટલા વિમુખ થઈ ગયા છે ? તેમનો સુધારો કેવો સ્વાર્થ અને અધમતાના પાયા ઉપર રચાયેલો છે અને તેમની નીતિ રીતિમાં કેવી ખામીઓ છે ? ધર્મચુસ્ત પાદરીઓ પણ તેમને પોતાનાં દેવાલયોમાં આવીને બોધ આપવાની વિનતિ કરતા. જિસસ ક્રાઈસ્ટના જીવન તથા સિદ્ધાંતો ઉપર સ્વામીજી કંઇક નવુંજ અજવાળું પાડતા. પાદરીઓ જાતેજ ક્રાઈસ્ટના સિદ્ધાંતોને પુરા સમજતા નહોતા અને સ્વામીજી તે તેમને