આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


છો, પણ તમારા ધર્મમાં રાજી ખુશીથી અને ધર્મ બુદ્ધિથી કેટલા આવ્યા ? તમને જરા કડવું લાગશે, પણ મારે કહેવું જોઈએ કે સઘળી ખ્રિસ્તી નીતિ, સઘળો કેથોલિક ધર્મ બુદ્ધધર્મમાંથી નીકળી આવેલો છે ! અને આ કેવી રીતે થયું હતું ? લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર ! તમે ગમે એટલી મગરૂરી ધરાવો પણ તમારો ખિસ્તી ધર્મ તલવાર વગર ક્યાં ફતેહ પામ્યો છે ? આખા જગતમાં એવું એક પણ સ્થળ બતાવો. તમારા ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં એકજ એવું સ્થળ બતાવો ! મારે બેની જરૂર નથી. તમારા બાપદાદાઓ કેવી રીતે ખ્રિસ્તી થયા હતા? ખ્રિસ્તી થાવ કે મરો, એ સિવાય તેમને રસ્તો નહોતો. આરબો પણ એક વખત એમજ કહેતા હતા કે “જગતમાં અમે એકલાજ છીએ, કારણ કે બીજાઓને અમે મારી શકીએ છીએ !” રોમનો પણ તેમજ કહેતા હતા, પણ તે આરબો કે રોમનો હવે ક્યાં છે? શાંતિપ્રવર્તકોનેજ ધન્ય છે. તેઓજ ખરાં પ્રભુનાં બાળકો છે અને તેમનાંજ કામો જગતમાં અમ્મર બને છે.”

“જોર જુલમ અને દુરાગ્રહથી થએલી બાબતો છેવટે ગબડીજ પડે છે, કેમકે તેઓ રેતીના પાયા ઉપર રચાયેલી હોય છે. જે બાબતનો પાયો સ્વાર્થવૃત્તિ ઉપર રચાયેલો છે, દ્વેષ જેનો જમણો હાથ છે, અને વિષયવાસના જેનું અંતિમ લક્ષ્ય છે, તે સઘળું વહેલું મોડું નાશ પામવાનું જ. માટે તમે પણ જો જીવતા રહેવા ઇચ્છતા હો અને સાચી ઉન્નતિને સમજતા તથા ઇચ્છતા હો તો પાછા ક્રાઈસ્ટ તરફ જ વળો. તમે ખરા ખ્રિસ્તીઓ છોજ ક્યાં ? તમારો ધર્મ તો માત્ર મોજશોખમાંજ છે ! એક પ્રજા તરીકે જો તમે જીવતા રહેવા ઇચ્છતા હો તો આ રીતિને બદલો. તમારા દેશમાં સર્વત્ર દંભજ જોવામાં આવે છે. પરંતુ કદિ પણ તમે પ્રભુ અને દ્રવ્ય, બન્નેને સાથે સાથે ભજી શકો નહિ, ક્રાઇસ્ટ