આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


"ઇઓવા સ્ટેટ રજીસ્ટર ” લખે છે કે-“પણ જે માણસ સ્વામીજીની સાથે તેમના પોતાનાજ વિષયમાં (હિંદુ ધર્મમાં) વાદવિવાદ કરે તેના તો બારજ વાગી જાય ! અને ઘણા માણસો તે પ્રમાણેજ કરતા હતા. સ્વામીજીના ઉત્તરો વિજળીના ચમકારાની માફક તેમના મુખમાંથી નીકળતા હતા અને હિંમત ધરીને પ્રશ્ન પુછવા આવનાર મનુષ્યને તે હિંદુ સાધુની બુદ્ધિ રૂપી તીક્ષ્ણ અને તેજસ્વી બરછીના પ્રહારો સહન કરવા પડતા હતા. તે સાધુના વિચારો એવા તો સૂક્ષ્મ અને ઉજ્જવલ હતા, તે એવા તો સુવ્યવસ્થિત અને સુસંસ્કૃત હતા કે કેટલીક વખત તો તેમના શ્રોતાઓ તેમનાથી અંજાઈ જતા ! પણ તેમનો અભ્યાસ કરવો એ ઘણું જ રસપ્રદ કાર્ય હતું અને ખરા ખ્રિસ્તીઓના મનમાં સ્વામીજી અને તેમના કાર્ય માટે અત્યંત માન ઉત્પન્ન થતું.” સ્વામીજી બને ત્યાં સુધી એક પણ અપ્રિય શબ્દ બોલતા નહિ, તેમનો સ્વભાવજ અત્યંત માયાળુ અને નમ્ર હતો; પણ જ્યાં સખત ટીકાની જરૂરજ તેઓ ધારે ત્યાં તો તે કરવાની તેમનામાં અપૂર્વ હિંમત હતી.

શિકાગોથી સ્વામીજી બોસ્ટન ગયા. ત્યાંના તેમના કાર્ય અને પરિચયને પરિણામે જ "બોસ્ટન ઇવનીંગ ટ્રાન્સ્ક્રીપ્ટ” તેમના વિષે લખે છે કે: – “વિવેકાનંદ એક ખરેખરા મહાપુરૂષ છે. તે સાદા, ઉદાર, પ્રમાણિક અને આપણા વિદ્વાનો કરતાં વધારે વિદ્વાન છે. આપણા વિદ્વાનોને તો તેમની સાથે સરખાવી શકાય તેમજ નથી." બોસ્ટનથી સ્વામીજી ડેટ્રૉઈટમાં ગયા. અહિંના રહેવાસીઓ ઉપર પણ સ્વામીજીના ઉપદેશોની ઘણીજ ઉંડી છાપ પડી રહી. સ્વામીજીએ સર્વને સમજાવ્યું કે ભારતવર્ષ આધ્યાત્મિક દેશ છે. જો કે તે અત્યારે પરતંત્રતા ભોગવે છે, પરંતુ તેને પણ તે પોતાની આધ્યાત્મિક સમજણને લીધેજ સહન કરી રહેલો છે. પોતાનો કર્મનો ભોગ