આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કોઈ પણ લોકોના બાહ્ય વિચારો અસર ઉપજાવી શક્યા નથી. ઈજીપ્ત અને બેબિલોનનાં જુનાં રાજ્યો નાશ પામ્યાં અને ગ્રીસ તથા રોમની ખુબીઓ હવે માત્ર કવિની કવિતામાં અને કારીગરની કળામાંજ અસ્તિત્વ ધરાવે છે; જ્યારે હિંદમાં છ હજાર વર્ષ પૂર્વે જે જીવન પ્રચલિત હતું તેનું તેજ જીવન અત્યારે પણ અનેક ઠેકાણે જોવામાં આવે છે. સ્વામીજીએ એક ભાષણમાં કહ્યું હતું કે, “બીજી બધી વસ્તુઓ કરતાં દ્રવ્યને તમે ( અમેરિકન ) વધારે ગણો છો, પરંતુ તમારા લોકોએ હજી ઘણું શિખવાનું છે. ભૌતિક લોલુપતાનાં પરિણામો અનુભવીને જ્યારે તમારી પ્રજા અમારી પ્રજા જેવી જુની થશે ત્યારે જ તેનામાં વધારે ડહાપણ આવશે.” એક જણે પુનર્જન્મ વિષે પ્રશ્ન કર્યો. તેના જવાબમાં સ્વામીજી બોલ્યા કે “વિજ્ઞાનશાસ્ત્રીઓ માને છે કે જગતની શક્તિ સર્વદા તેટલી ને તેટલીજ રહે છે, અને તેમાં કાંઈ ઓછુંવત્તું થતું નથી. એ ધોરણ ઉપરજ પુનર્જન્મની કલ્પના રચાયેલી છે. આ કલ્પના પ્રથમ અમારા દેશના એક તત્વવેત્તાએ શોધી કહાડેલી છે. હિંદુઓ સૃષ્ટિવાદમાં માનતા નથી. સૃષ્ટિ એટલે શુન્યમાંથી યાને કાંઈ પણ ન હોય તેમાંથી કંઇ પણ રચવું યા ઉત્પન્ન કરવું તે. પરંતુ એમ થવું તદ્દન અશક્ય છે, માટે જેમ કાળ અનાદિ છે તેમ સૃષ્ટિ પણ અનાદિજ છે. સઘળાં સુખો અને દુઃખો આપણે કરેલાં કૃત્યોનો માત્ર પ્રત્યાઘાતજ છે. પાશ્ચાત્યોએ હિંદ પાસેથી “સહિષ્ણુતા” ખાસ કરીને શીખવાની છે. તેમણે શીખવાનું છે કે સઘળા ધર્મો ખરા છે; કારણ કે તેમનાં સત્ય એકજ છે.

એક સ્ત્રીએ સ્વામીજીને સવાલ પુછ્યો કે “હિંદુસ્તાનની સ્ત્રીઓ વધારે સુશિક્ષિત કેમ નથી ?” સ્વામીજીએ ઉત્તર આપ્યો કે “જંગલી લોકોએ હિંદ ઉપર વારંવાર હુમલા કરેલા છે તેથી કંઈક તેઓ