આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શ્રોતાઓ તેમને ગાંડા ઘેલા સવાલો પણ પુછતા. પાદરીઓએ અમેરિકનોના મનમાં હિંદ વિષે જે અનેક ખોટા ખ્યાલ ઉત્પન્ન કર્યા હતા તેને લગતા સવાલોનો ઉત્તર સ્વામીજી કોઈ વાર મશ્કરી રૂપે આપતાં તો કોઈ વાર સખત ટીકાઓના પ્રહાર પણ કરવા ચુકતા નહિ. એકવાર એક જણે પુછ્યું કે “હિંદુ માતાઓ પોતાનાં છોકરાંને નદીમાં ફેંકી દે છે અને મગરને ખાવા આપે છે. એ વાત ખરી છે? ” (કેમકે ખ્રિસ્તી પાદરીઓ આવી આવી વાતો અમેરિકનોને શિખવી રહ્યા હતા.) સ્વામીજીએ મશ્કરીમાંજ તેનો જવાબ આપ્યો કે: “હા, બહેન ! તેઓએ મને પણ નદીમાં ફેંકી દીધો હતો, પણ હું તો તરીને બહાર નીકળી આવ્યો !” પછી પાશ્ચાત્ય સુધારા વિષે બોલતાં સ્વામીજીએ કહ્યું: “હું સ્પષ્ટ વક્તા છું; પણ મારો ઇરાદો શુદ્ધ છે. મારે તમને સત્યજ કહેવાનું કે હું અહીં તમારી ખુશામત કરવા આવ્યો નથી. જો મારે તેમ કરવું હોત તો મેં ન્યુયોર્કમાં એક મ્હોટું દેવળ બાધ્યું હોત. તમે મારાં બાળક છો. તમને તમારી ભુલ, તમારી ખોડો અને તમારી બડાશોનું ભાન કરાવીને મારે તમને ઈશ્વરતરફ લઈ જવાના છે; અને તેથી કરીને તમે મને ખ્રિસ્તી ધર્મ વિષે કે તમારા સુધારાના આદર્શો વિષે અથવા પાશ્ચાત્યોની નીતિ, રીતિ, જીવન અને ચારિત્ર્ય વિષે હમેશાં સારૂંજ બોલતો જોશો નહિ.” એક વખત ડેટ્રોઇટમાં સ્વામીજીએ જરા સખત થઈને પુછ્યું હતું કે, “તમારો ખ્રિસ્તી ધર્મ ક્યાં છે? આ તમારા સ્વાર્થી જીવનકલહમાં જિસસ ક્રાઈસ્ટને માટે સ્થાનજ ક્યાં છે ? તમે તો હંમેશાં બીજાઓનો નાશજ કરી રહેલા છો ! ખરેખર, જો ક્રાઈસ્ટ આજે અહીંઆં આવે તો એનું મસ્તક મુકવાને માટે એક પવિત્ર પથરો પણ એને જડે નહિ !” એક સંભાવિત પાદરી સ્વામીજીના જિસસ પ્રત્યેના પ્રેમ અને જ્ઞાન જોઈને આશ્ચર્યથી પુછવા લાગ્યો “તમે જિસસ ક્રાઈસ્ટના આદર્શને