આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બીજો કોઈ પુરૂષ તેમણે તેમની જીંદગીમાં કદી જોયોયે નથી. સ્વામીજીની ભવ્ય અને મનોહર આકૃતિથી મોહ પામીને કેટલીક સ્ત્રીઓ તેમની સાથે લગ્ન કરવાની પણ માગણી કરવા લાગી. એક ઉમરાવજાદી તેમની પાસે આવી અને કહેવા લાગી કે “હું મારી જાતને અને મારા સઘળા દ્રવ્યને તમારાં ચરણોમાં અર્પણ કરું છું.”

પરંતુ પરમપૂજ્ય રામકૃષ્ણનો શિષ્ય એ લાલચથી પણ ડગ્યો નહિ. તેમનો વૈરાગ્ય દૃઢ હતો. કાંચન અને કામિનિમાં નહિ ફસાવાનું શ્રીરામકૃષ્ણે તેમને પ્રથમજ શિખવ્યું હતું. અમેરિકાના કરોડાધિપતિઓની તો શું પણ સ્વર્ગના ઇંદ્રાદિ દેવતાઓની લક્ષ્મી પણ બ્રહ્માનંદની એક પળ કરતાં પણ તુચ્છ છે; એમ શ્રીરામકૃષ્ણ પરમહંસે પોતાના બોલ અને ચારિત્ર્યના પ્રભાવથી પોતાના આ વ્હાલા શિષ્યની રગે રગમાં ઠસાવ્યું હતું. સ્વામીજી જેવા બુદ્ધિશાળી પુરૂષે ધાર્યું હોત તો પુષ્કળ દ્રવ્ય અને સ્ત્રી પુત્રાદિ પ્રાપ્ત કર્યાં હોત; પરંતુ તેની તુચ્છતા સમજીને જ તેમણે સંન્યાસ લીધો હતો. શ્રીરામકૃષ્ણ જેવા મહાન ગુરૂનો આવો મહાન શિષ્ય એવાં ભલ ભલાને પણ ભ્રષ્ટ કરે એવાં પ્રલોભનોને પણ ન ગાંઠે એમાં નવાઈ નથી.

શ્રીરામકૃષ્ણ જેવા પવિત્ર મહાત્માના આ વ્હાલા શિષ્ય પ્રત્યે તે ઉમરાવજાદીએ લગ્નની માગણી કરતાં સ્વામીજી બોલ્યા કે “બાઈસાહેબ, હું એક સંન્યાસી છું. લગ્ન મારે શા કામનું છે ? મારે મન સઘળી સ્ત્રીઓ મારી માતાજ છે.”

કેટલાક સાચા અંતઃકરણવાળા પાદરીઓ સ્વામીજીના મિત્રો બની રહી સ્વામીજી ઉપર થતી ટીકાઓને જવાબ આપતા. છતાં સ્વામીજી પોતે તો કોઇને ઉત્તર આપતા નહિ. તે કહેતા કે “મારે સામો જવાબ શા માટે દેવો જોઈએ ? સાધુને એવી રીત પોતાનો બચાવ કરવાની જરૂર નથી. સત્ય પોતે જ પોતાનો માર્ગ કરી લેવાને