આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વર્તવું. તેઓ આપણને શિખવે છે કે આપણે હિંદીઓ આપણા દેશના મહા પુરૂષોની કદર કરવામાં એટલા બધા પછાત છીએ કે પ્રથમ પરદેશમાં આપણા કોઈ તેવા પુરૂષની કદર થાય છે ત્યારેજ આપણે તેની કદર કરી શકીએ છીએ. જ્યારે તેઓ ઓક્સફર્ડ, લંડન કે ન્યુયોર્કમાં જઈને ફતેહ મેળવી આવે છે ત્યારે જ તેમની કદર કરવાને આપણે ઉભા થઈએ છીએ ? આ આપણી કેવી મોટી ખામી છે !

સ્વામીજીને અમેરિકામાં ભોગવવી પડેલી અનેક અગવડો અને વિપત્તિઓ તેમજ તેમના કાર્યને તોડી પાડવાને જે મહત્‌ પ્રયાસો પાદરીઓએ કર્યા હતા, તે તરફ જોતાં સમજાશે કે સ્વામીજીની ફતેહ કોઈ અનુકુળ સ્થિતિને લીધે કે આકસ્મિક નહોતી; પણ તેમની અસાધારણ શક્તિનું જ પરિણામ હતું. જે સ્વામીજીએ પોતાની અસાધારણ શક્તિ, અથાગ મહેનત અને એક ખરા સંન્યાસીને છાજે એવા દૃઢ આગ્રહથી હિંદુ ધર્મના તાત્વિક સિદ્ધાંતોને જડવાદને સ્થાને સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો નહોત તો સર્વધર્મપરિષદ્‌નું પરિણામ શુન્યમાંજ આવી રહ્યું હોત.

તેમનાં ભાષણોમાં કેટલાક માણસો માત્ર ગમ્મતની ખાતરજ આવતા તો કેટલાક તેમને પોતાનું હથીઆર બનાવવાના ઇરાદાથી આવતા. કેટલાક તેમને પોતાનો પંથ સ્વીકારવાને લલચાવવાના ઈરાદાથી આવીને પોતાથી બને તેટલી દલીલો અને લાલચો તેમના આગળ રજુ કરતા. વળી કોઈ કોઈ તો અનેક પ્રકારની ધમકી પણ આપતા ! પરંતુ અંતે તેઓ સર્વને નિરાશાજ મળતી.

સ્વામીજી કોઇથી દબાય કે કશાથી લલચાઈ જાય તેવા નહોતા. દરેકને તે એકજ ઉત્તર આપતા :– “હું હમેશાં સત્યને માટેજ છું, સત્ય કદી પણ અસત્યને તાબે થશે નહિ, આખું જગત મારી સામે થાય તો પણ આખરે સત્યનોજ જય થવાનો !”