આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૯
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હતા. ઉપરાંત તેમને સ્વામીજીના અદ્ભુત જીવનના ભાગી થવાનો પણ અમુલ્ય લાભ મળ્યો હતો. સ્વામીજીનું જીવન સંપૂર્ણ સુંદર અને સંતુષ્ટ હતું. તે ઘણુંજ ભવ્ય લાગતું, પણ તેની સાથે તેમાં અત્યંત સાદાઈ પણ નજરે આવતી હતી. તેમનું મન સદાએ ઉચ્ચ ભાવો અને વિચારોથી ભરપુર દેખાતું હતું. ૐ, શિવ, રામકૃષ્ણ, જગદંબા તેમજ બીજા પણ ઉચ્ચભાવ પ્રદર્શક ઉદ્‌ગારો સ્વામીજી મુખમાંથી વારંવાર બહાર કહાડતા અને તે ઉદગારોથી શિષ્યોને કંઈક અલૌકિકજ ભાન થતું. કોઈ વખત તે ક્રાઈસ્ટની વાતો કરતા, તો કોઈ વખત શ્રીશંકરાચાર્યનું અદભુત તત્વજ્ઞાન સમજાવતા અને કોઈ વખત શ્રીકૃષ્ણને એક અદભુત યોગી તરીકે પ્રતિપાદન કરતા. આખો દિવસ તેમનું મન કોઈને કોઈ સત્યમાં રમમાણ રહેતું. વખતો વખત તે જ્ઞાનની પરાકાષ્ટાએ પહોંચી જતું અને તેમાંથી કોઈ નવુંજ સત્ય નવીન પ્રકાશ રૂપે બહાર નીકળી આવતું.

સ્વામીજી નિયમિત રીતે કોઈને બોધ આપતા નહોતા. તેમ થવું અશક્ય હતું. ઇશ્વર પ્રેરિત મનુષ્ય જગતને અનેક સત્યોનો બોધ આપે છે, પણ તેમના બોધ નિયમિત હોતા નથી. જેમ જેમ પ્રેરણા થતી જાય છે, અને જેમ જેમ અંતરાત્માના ઉંડા પ્રદેશમાં ઉતરાતું જાય છે તેમ તેમ અનેક સત્યો સ્ફુરતાં ચાલે છે અને કહેવાતાં ચાલે છે. પ્રાચીન રૂષિઓએ તે પ્રમાણેજ સત્યનું શોધન અનેક યત્નોદ્વારા કરેલું છે. ઈશ્વર પ્રેરણા ઉપર તો નિયમિતપણાનો માનવનો કાયદો કેમ લાગુ પડે ! સ્વામીજી પણ તેને માટે કહેતા હતા કે પાશ્ચાત્યોમાં બહુ નિયમિતપણું હોવાને લીધે જ ત્યાં ખરા ધાર્મિક પુરૂષ પાકતા નથી.” એથી કરીને તેમના શિષ્ય તેમની આસપાસ વીંટળાયલાજ રહેતા અને સ્વામીજીના મુખમાંથી જે ઉદગારો નીકળે તે ઝટ ટપકાવી લેતા. મીસ વોલ્ડો નામની એક શિષ્યાએ તેમના