આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૩


ભારતવર્ષના નિવૃત્તિમય પરમાર્થ જ્ઞાનની ઉંડી છાપ પાડનારી તે અલૌકિક આર્ય શક્તિ છે. સનાતન ધર્મના ઉંડાણનું તે પ્રતિબિંબ છે. હિંદના ભાવી ઉત્કર્ષની તે અચળ શ્રદ્ધા અને રૂપરેખા છે. અપ્રતિમ સ્વદેશાભિમાનની તે ખરી દિશા છે. સર્વ સામાન્ય તત્ત્વો શીખવનારો તે ગુરૂ છે. હિંદની કેળવણીનું તે સુચન છે. સત્ય સુધારણાનો તે માર્ગ છે અને શુદ્ધ આર્યજીવનનો તે પ્રાદુર્ભાવ છે. સત્ય સનાતન ધર્મનો તે વિકાસ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મનો તે યોગ છે. વેદાન્તની વ્યાવહારિકતાનો તે પુરાવો છે. અદ્વૈતવાદની તે વિજયપતાકા છે. ઋષિમુનિના સિદ્ધાંતના પશ્ચિમમાં દિગવિજય છે. जगदेव हरिः हरिरेव जगत् એ મહા સત્યનું તે અનુસરણ છે. शिव અને जीवની તે એકતા છે. લોકસેવા માટે જન્મ લેનાર યોગી પુરૂષનું તે નિષ્કામ કર્મ છે. આધ્યાત્મિક બળનું તે વીરત્વ છે. ગીતામાં વર્ણવેલો તે કર્મયોગ છે. ઉપનિષદોના સિદ્ધાંતોનું તે રહસ્ય છે.

આ મહાન સાધુએ ભારતવર્ષની ઉન્નતિનો માર્ગ આંક્યો છે. સ્વદેશ ભક્તે કઈ દિશાએ જવું તે દર્શાવ્યું છે. ભારતવર્ષનો આત્મા કયાં રહેલો છે તે જણાવ્યું છે. હિંદની જીવન સરિતા ક્યાં વહે છે અને તેને ક્યાં વહેવરાવવી તેનો નિશ્ચય કર્યો છે. વેદાન્તરૂપી પિઠિકા ઉપરજ પૂર્વ અને પશ્ચિમના હસ્ત મેળાપ થઈ શકશે અને ભારતવર્ષ સમસ્ત જગતના ગુરૂ તરિકે લેખાશે; તે ગુરૂપદ અનેકકાળ તે ભોગવશે અને તેનું ગૌરવ વધશે; એમ આ દીર્ઘદર્શી મહાત્માનું નિશ્ચય માનવું હતું અને તેજ નિશ્ચય પ્રમાણે તેમનું વર્તન હતું. પ્રાચીનકાળથી દરેક પ્રજાએ અમુક તત્ત્વને જીવનના બંધારણ રૂપે ગ્રહ્યું છે. અંગ્રેજોએ રાજ્યનીતિ, ફ્રેંચ પ્રજાએ સમાજ સુધારણા અને અમેરિકનોએ સ્વતંત્ર વિચાર અને સત્ય પ્રિયતાને જીવનના સુત્રરૂપે સ્વીકાર્યા છે; પરંતુ આર્યપ્રજાએ તો ધાર્મિકતાનેજ પ્રથમથી જીવનના