આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૭
અમેરિકામાં ઉપદેશક તરીકે.


અસાધારણ વક્તૃત્વશક્તિ, અદ્‌ભુત વાક્ચાતુર્ય અને બીજા જે જે ગુણો વડે શ્રોતાજનો તેમને ઈશ્વર પ્રેરિત વક્તા કહે છે-તે સર્વ કદીએ વિસરશે નહીં.”

સ્વામીજીની અપૂર્વ ફતેહની ખબર આખા હિંદુસ્તાનમાં પહોંચી વળી. હિંદનાં વર્તમાનપત્રો અને માસિકોમાં સ્વામીજીના પ્રસિદ્ધ ભાષણની નોંધ લેવાઈ અને તે વિષે અગ્રલેખો પણ લખવામાં આવ્યા. મદ્રાસથી આલમોરા અને કલકત્તાથી મુંબઈ સુધીના સઘળા હિંદુઓ તે પ્રસિદ્ધ ભાષણને વાંચીને તેનું મનન કરવા લાગ્યા. તેને વાંચતાં તેમનાં હૃદયમાં અત્યંત હર્ષની લાગણી ઉત્પન્ન થઈ અને પોતાના હિંદુ ધર્મને માટે ગૌરવ લઈ તે ધર્મના ઉપદેશક તરીકે અપૂર્વ ફતેહ મેળવી રહેલા વીરપુરૂષ-વિવેકાનંદ તરફ અત્યંત પૂજ્યભાવ દર્શાવવા લાગ્યા.

આ વખતે સ્વામી વિવેકાનંદનું નામ અખિલ ભારતવર્ષમાં ઘેર ઘેર પ્રિય થઈ રહ્યું હતું. તેમણે પોતાના દેશની અને ધર્મની જે મહાન સેવા બજાવી હતી, તેમજ અમેરિકામાં હિંદુ વિચારોને અને સ્વામીજીને ભારે આવકાર મળ્યો હતો તે સાંભળીને સઘળા હિંદુઓ હર્ષઘેલા થઈ રહ્યા હતા. જે ભૂમિ મગરૂરીમાં ગરક હોઈ હિંદને એક પરતંત્ર દેશ તરીકે ગણતી હતી અને હિંદવાસીઓને વહેમી અને જંગલી ધારતી હતી; તે ભૂમિ (અમેરિકા) ભારતવર્ષની મહત્તા સ્વીકારે, એ બનાવ હિંદુસ્તાનની તવારીખમાં પહેલ વહેલોજ હતો.

સ્વામીજીનું પવિત્ર નામ હિંદના દરેક પ્રાંતમાં સંભળાઇ રહ્યું હતું. એમાં પણ સ્વાભાવિક રીતે મદ્રાસ અને બંગાળા ઈલાકામાં લોકો સ્વામીજી તરફ વધારે પ્રેમ અને માન દર્શાવી રહ્યા હતા. ત્યાં સ્થળે સ્થળે સભાઓ ભરાતી હતી અને સ્વામીજીના ગુણ ગવાઈ રહ્યા હતા. છેક દક્ષિણમાં આવેલા રામનદથી તે ઉત્તરમાં રજપુતાના