આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને તેમના વિચારો સમજવાને આટલો બધો ઉત્સાહ દર્શાવે એ કંઇ જેવી તેવી વાત નહોતી. લંડનમાં આવ્યાને તેમને ભાગ્યેજ એક મહિનો થયો હશે, પણ એટલામાં તો જે સ્ત્રી પુરૂષો તેમના સમાગમમાં આવ્યાં તેમનાં મન ઉપર ભારે અસર થઇ રહી. તે સ્ત્રી પુરૂષોમાં મિસ મારગરેટ નોબલ પણ હતાં. જેમણે આગળ ઉપર “સીસ્ટર નિવેદિતા” નામ ધારણ કર્યું હતું. સ્વામીજીના વિશાળ અને નવીન ધાર્મિક વિચારો; તત્વજ્ઞાનમાં તેમને ઉંડો, તાજો, બુદ્ધિવંત પ્રવેશ; સુંદરમાં સુંદર અને બળપોષક સિદ્ધાંતો, અને જગતની તુચ્છ વાસનાઓનો ત્યાગ, એ સર્વથી મિસ મારગરેટ નોબલનું હૃદય સ્વામીજી તરફ અત્યંત આકર્ષાયું. તે એક શાળાનાં પ્રીન્સીપાલ હતાં અને કેળવણીના કાર્યમાં ઘણો રસ લેતાં હતાં. કેળવણી વધારવાને સ્થાપેલી સીસેમ ક્લબનાં તે સભાસદ હતાં, બુદ્ધિવંત અને પ્રતિષ્ઠિત સ્ત્રી પુરૂષોના બહોળા સમાગમમાં તે રહેતાં હતાં. વિવેકાનંદના સમાગમમાં આવ્યા પછી તેમના શબ્દે શબ્દ ઉપર તે વિચાર કરવા લાગ્યાં. પ્રથમ તો તેમના વિચારો તેમને અગ્રાહ્ય લાગ્યા; પરંતુ તેમના અનેક તર્કોને સ્વામીજી તેમના ભાવીના શુભ ચિન્હ તરીકે ગણવી લાગ્યા. સ્વામીજી પોતાના મનમાં સમજી ગયા કે એકવાર તેમના મનની સઘળી શંકાઓનું સમાધાન થઈ જશે એટલે મિસ મારગરેટ નોબલ વેદાન્ત વિચારનાં એક ચુસ્ત હિમાચતી બની રહેશે. સ્વામીજી સાથે વાદવિવાદમાં ઘણા મહિના વહી ગયાં. વેદાન્તના અનેક વિચારો અને સિદ્ધાંત સ્વામીજી તેમને સમજાવતા ચાલ્યા. બાઈ બુદ્ધિશાળી હતાં. ધાર્મિક વિષયને તેમણે ખેડેલો હતો. માનસ શાસ્ત્રનો અભ્યાસ પણ તેમણે સારી કરેલો હતો. આથી કરીને એમજ બન્યું કે સ્વામીજી ઈંગ્લાંડ છોડી ગયા તે પહેલાં મિસ નોબલ તેમનાં શિષ્યા બની રહ્યાં અને તેમને “ગુરૂ” કહીને બોલાવવા લાગ્યાં. સ્વામીજી તરફ તેમનો પૂજ્યભાવ એટલો બધો વધી ગયો કે