આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૩
ઇંગ્લાંડની મુલાકાત.


“તે સમીસાંજના વખતને આજે દસ વર્ષ થઈ ગયેલાં છે, તે વખતે થએલી વાતચીતના ભાગ્યાતૂટ્યા શબ્દોજ મને અત્યારે યાદ આવે છે, પણ સ્વામીજી જે શ્લોકો બોલ્યા હતા તેમને તો હું કદીએ વિસરનાર નથી. તે પૂર્વના સ્વર પ્રમાણે પણ ઘણી અદ્ભુત રીતે બોલ્યા હતા. તે સાંભળીને એકદમ મને અમારાં દેવસ્થાનોનું ગ્રેગોરીઅન સંગીત યાદ આવ્યું હતું.”

લંડનના કેટલાક ઉમરાવના મહેલોમાં પણ ભાષણ આપવાનો કે ખાનગી રીતે વાતચીત કરવાનો પ્રસંગ સ્વામીજીને આવ્યો હતો. કેટલીક ક્લબોથી પણ તેમને આમંત્રણ આવતાં હતાં. સર્વત્ર સ્વામીજી વેદાન્તના વિશાળ વિચારોનેજ પ્રતિપાદન કરતા હતા. બ્રહ્મજ્ઞાનપ્રાપ્તિનાં સાધનો તે દર્શાવતા. યોગ, કર્મ, પુનર્જન્મ વગેરે વિષયો ઉપર બોલતા અને આત્માની એકતાનું ભાન તે સર્વને કરાવતા હતા. અમેરિકાની માફક ઈંગ્લાંડમાં પણ લોકો તેમને અનેક વિચિત્ર સવાલો પૂછતા અને સ્વામીજી બહુજ ખુશમિજાજથી તેનો ઉત્તર આપતા. પાશ્ચાત્યોની ધાર્મિકતા તરફ તે અવિશ્વાસ દર્શાવતા. ત્યાં ધર્મનો આધાર પણ દ્રવ્ય ઉપર રહેલો છે એમ જણાવતા અને હિંદુઓના ધાર્મિક વિચારોમાં રહેલાં સ્વાતંત્ર્ય અને નિસ્પૃહાની તે ભારે પ્રશંસા કરતા. વૈરાગ્યને તે ઘણું મહત્વ આપતા અને કહેતા કે સ્વાર્થ ત્યાગ વગર વિશુદ્ધ નીતિ પળાઇ શકે જ નહિ.

હિંદના પ્રાચીન શિક્ષણમાં ચારિત્ર્યને સૈાથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવેલું છે. બોધ કરનાર ગુરૂ પોતાના બુદ્ધિબળવડે શિષ્યોની બુદ્ધિ ખીલવે છે, પરંતુ શિષ્યના ચારિત્રનું બંધારણ તો તે પોતાના ચારિત્રથીજ બાંધે છે. જેમાં ગુરૂના ચારિત્રની છાપ પડતી ન હોય તે બોધ હિંદમાં નકામો ગણાય છે. ચારિત્ર વગરનો ગુરૂ ગુરૂ તરીકે લેખાતો નથી. બોધ કે વિદ્યા કરતાં ચારિત્રને હિંદમાં વધારે