આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શાસ્ત્રોના સિદ્ધાંતોમાં ઘટાવી મૂકવાં કે જેથી કરીને તેઓની સત્યતા પુરવાર થઈ રહે અને સર્વે તેમને સમજી શકે. કાર્ય ઘણું કઠિન હતું, પણ સ્વામીજીની અસાધારણ બુદ્ધિએ તેને બહુ ત્વરાથી અને ઉત્તમ પ્રકારે પાર પાડેલું છે. પોતાના ધારેલા કાર્યને સિદ્ધ કરવાને માટે તે કેવો અથાગ શ્રમ લઈ રહ્યા હતા ? તેઓ સઘળા વેદો, ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણો, પુરાણો, વગેરેને એકઠાં કરી તેમાંથી સાર કહાડી રહ્યા હતા અને તે સાદી અને સરળ ભાષામાં જનસમૂહને સમજાવી રહ્યા હતા. હિંદુઓના આધ્યાત્મિક વિચારો આધુનિક વિજ્ઞાનશાસ્ત્રની વિરૂદ્ધ નથી, એટલુંજ નહિ પણ આધુનિક વિજ્ઞાનશાસ્ત્ર ઉલટું તેમને વધારે ને વધારે સિદ્ધ કરતું ચાલે છે, એમ જો કોઈએ પુરવાર કરી બતાવ્યું હોય તો તેનું સઘળું માન સ્વામી વિવેકાનંદનેજ ઘટે છે.

સ્વામી વિવેકાનંદનાં ભાષણો શ્રોતાજન ઉપર કોઈ નવોજ પ્રકાશ પાડતાં હતાં. સનાતન હિંદુ ધર્મનું ખરું રહસ્ય તે નવીન સ્વરૂપમાંજ પ્રગટ કરતા હતા. તેમની પ્રતિપાદન કરવાની શક્તિ બહુ અજબ હતી. તે જે સત્યો પ્રગટ કરતા તે ઉપનિષદોના રહસ્ય રૂપજ હોવા છતાં આધુનિક ભૌતિકવિજ્ઞાનના અભ્યાસીઓને તે ગ્રાહ્ય થાય તેવી યુક્તિથી તેમને સમજાવતા હતા. પૂર્વ અને પશ્ચિમ બંનેનો તેમણે અનુભવ લીધો હતો. પૂર્વ અને પશ્ચિમની વિદ્યાઓમાં તે પારંગત થયેલા હતા. તેમનું વિશાળ હૃદય અને ઉંડું જ્ઞાન, એ બંનેની તુલના કરી દરેકની મહત્તા અને ઉપયોગિતા કેટલી છે તે વાત યથાવત્‌ સમજાવતું હતું. તેમના સઘળા લેખો અને કથનો વેદાન્ત ઉપર નવીન ભાષ્ય યા ટીકા રૂપેજ હતાં. ભારતવર્ષમાં સઘળા ટીકાકારો એક બીજાની વિરૂદ્ધ લખી રહેલા છે એમ જાણીને તે કોઈ પણ ટીકાકારને શ્રેષ્ઠ પ્રમાણ તરીકે સ્વીકારતા નહોતા. વેદ