આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૩૮ મું – ઇંગ્લાંડની બીજી મુલાકાત.

સ્વામી વિવેકાનંદ ઈંગ્લાંડ પહોંચ્યા તે વખતે સ્વામી શારદાનંદ પણ કલકત્તેથી ત્યાં આવી પહોંચ્યા હતા. બંને જણ લંડનમાં મી. સ્ટર્ડીના અતિથિ થઈને રહ્યા. ઘણાં વર્ષથી સ્વામીજી પોતાના કોઈ પણ ગુરૂભાઈને મળ્યા નહોતા તેથી બંનેની ખુશાલીનો પાર રહ્યો નહિ. સ્વામી શારદાનંદે હિંદુસ્તાનની તેમજ આલમ બજારમાં આવેલા રામકૃષ્ણ મઠની સઘળી ખબર કહી. સ્વામીજી આ વખતે કેટલીક યોજનાઓ પોતાના મનમાં ઘડી રહ્યા હતા તે તેમણે શારદાનંદને સમજાવી.

સ્વામીજીએ હવે નિયમિત વર્ગો ચાલુ કરીને જ્ઞાનયોગ ઉપર ભાષણો આપવા માંડ્યાં. વળી દર રવીવારે જાહેરમાં પણ વ્યાખ્યાનો આપવાનાં શરૂ કર્યા. ભાષણોના વિષયો “ધર્મની આવશ્યકતા,” “સર્વ સંગ્રાહ્ય ધર્મ” વગેરે રહેતા. આ ભાષણોમાં સ્વામીજીને ઘણીજ ફતેહ મળી. પછીથી તેમણે “ભક્તિયોગ,” “વૈરાગ્ય” વગેરે વિષય ઉપર વ્યાખ્યાન આપ્યાં. “સત્ય અને પ્રતિભાસિક પુરૂષ” એ વિષય ઉપર બોલતાં સ્વામીજીએ સમજાવ્યું કે “મનુષ્યો, પ્રાણીઓ અને દૃશ્યમાન થતા આ સમગ્ર જગતની વસ્તુઓના નામ રૂપમાં એકતા પણ હોઈ શકે નહિ અને તેઓ સત્ય પણ હોઈ શકે નહિ. સત્ય વસ્તુ તે જુદીજ છે. તે અવિભાજ્ય અને અવિકારી છે અને તેજ સર્વેમાં સત્તા રૂપે રહેલી છે.” સ્વામીજીએ વળી દર્શાવ્યું કે “આપણી બુદ્ધિજ આપણને સમજાવે છે કે આ દૃશ્યમાન થતું જગત્‌ મિથ્યા છે, સર્વત્ર માત્ર એક સત્ય વસ્તુજ અસ્તિત્વ ધરાવે છે.” ઉપરનાં ભાષણોની ઘણી ઉંડી અસર થઇ રહી અને લંડનના લોકો સ્વામીજીની પ્રશંસા કરવા લાગ્યા. તેમના વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા