આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૯
ઈંગ્લાંડની બીજી મુલાકાત.


વધવા લાગી. બીજાં ભાષણોમાં સ્વામીજીએ આર્ય પ્રજાનો ઇતિહાસ, તેનો વિકાસ, તેની ધાર્મિક પ્રગતિ વગેરે વિસ્તારથી કહી સંભળાવ્યાં. પછીથી તેમણે રાજયોગ ઉપર ભાષણો આપવા માંડ્યાં, આ વખતે મીસીસ બીડલ્ફને ત્યાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું. સ્વામીજી ત્યાં ગયા અને “આત્મા વિષે હિંદુઓની કલ્પના” એ વિષય ઉપર ભાષણ આપ્યું. વ્યાખ્યાન ઘણુંજ મોહક હતું. સ્વામીજીએ આર્યતત્વજ્ઞાનના વિચારોને ઘણીજ સુંદર રીતે એ દ્વારા પ્રગટ કર્યા હતા. વ્યાખ્યાન વખતે ઘણા પ્રતિષ્ઠિત મનુષ્યો આવ્યા હતા. રાજકુટુંબમાંથી પણ કેટલાંક મનુષ્યો તે શ્રવણ કરવાને આવ્યાં હતાં, પણ તેઓ ઘણી છૂપી રીતે બેઠાં હતાં. પછીથી સ્વામીજીએ નોટીંગ હીલ ગેટમાં મીસીસ હન્ટને ઘેર એક વ્યાખ્યાન આપ્યું અને વિમ્બલડનમાં એક મોટી સભાની સમક્ષ પણ પોતાના અનુપમ વક્તૃત્વ વડે સર્વોત્તમ વિચારો દર્શાવ્યા. સીસેમ ક્લબમાં સ્વામીજીએ “કેળવણી” ઉપર ભાષણ આપ્યું. તે ક્લબ સ્ત્રીઓએ સ્થાપેલી હતી અને તેનો ઉદ્દેશ સ્ત્રીકેળવણીનો પ્રચાર કરવાનો હતો. અહીંઆ સ્વામીજી હિંદની પ્રાચીન કેળવણી ઉપર ઘણા વખત સુધી બોલ્યા અને સ્પષ્ટ રીતે સૌના મનમાં ઠસાવ્યું કે હિંદની પ્રાચીન કેળવણીનો મુખ્ય ઉદ્દેશ મનુષ્યને મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનો હતો, અને નહિ કે માત્ર ગોખણપટ્ટીજ કરાવવી ! સ્વામીજીએ પ્રાચીન અને અર્વાચીન કેળવણીની તુલના કરી અને સર્વને સમજાવ્યું કે મનુષ્યના આત્મામાં ભૂત, વર્તમાન અને ભાવી જ્ઞાનનો જે અખૂટ ભંડાર સદાને માટે ભરેલો છે; વ્યક્ત અને અવ્યક્ત સઘળું જ્ઞાન જે તેમાં રહેલું છે, તે સઘળા જ્ઞાનને મનુષ્ય પોતાના આત્મામાંથી પોતાની મેળે ખેંચી કહાડીને કૃતકૃત્ય થાય તેમ કરવામાં તેને મદદ કરવી; એજ સઘળી કેળવણીનો ઉદ્દેશ હોવો જોઈએ.