આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૭


કેમ ચાલે છે તે જુઓ; આ વાત તેમણે તેમના મનમાં ખુબ ઠસાવી છે.

વેદાન્ત ધર્મપર પડેલી ધૂળ ઉડાવી દઇને તેના પર તેમણે નવો પ્રકાશ પાડ્યો છે. સંન્યાસીઓને તેમણે જ્ઞાન, ભક્તિ અને કર્મનો સંયોગ કેમ કરવો તે પોતાના જીવનના દૃષ્ટાંતથી સમજાવ્યું છે. સામાન્ય જગતે તેમને એક ઘણા બુદ્ધિશાળી પુરૂષ, મહાન પંડિત, શ્રેષ્ઠવક્તા અને ઉંચી પંક્તિના સ્વદેશભક્ત તરિકે પૂજ્યા છે. તેમનું ચારિત્ર આથી પણ અધિક અનિર્વચનીય હતું. અનેકને તે અનેક રૂપે ભાસતું. અનેક વિચારોનું તે કેન્દ્રસ્થાન હતું. અનેક વૃત્તિઓના આવેશમાં તે આવતું. અનેક સવાલોમાં તે સહજ પ્રવેશ કરતું અને જે સવાલને તે હાથમાં ધરતું તેનેજ તે સર્વોત્કૃષ્ટ મનાવતું. આથી જે માણસોએ એમને જેવી વૃત્તિમાં જોયા છે તેવીજ વૃત્તિમાં તેમને વર્ણવ્યા છે.

સ્વામી વિવેકાનંદનું ચરિત્ર જનસમાજ આગળ મૂકવું તે સમસ્ત ભારતવર્ષનું આધ્યાત્મિક જીવન, તેની પરિસ્થિતિ, તેના હેતુઓ, આશયો, લાગણીઓ, તેના વિકાસ અને તેની ભાવી આશાઓનું વિસ્તારથી વર્ણન આપવા બરાબર છે. તેનાં મૂળ, મધ્ય અને ભાવી દર્શાવવા જેવું એ કઠિન કામ છે. માનવ બુદ્ધિના સાચા સંશયો, ઈશ્વરમાં નિઃસીમ શ્રદ્ધા, ધાર્મિક જીવનનો સંપૂર્ણ વિકાસ, ચિતશુદ્ધિનું ધૈર્ય અને બળ, સ્વધર્મની ઉંડી સમજ અને તેથી નિપજતું સ્વદેશાભિમાન,અનેકમાં એકતાનું દર્શન, વગેરે વગેરે મહાન ગુણો અને સિદ્ધાંતોનો ક્રમશઃ ઉદ્ભવ, ઉદય અને વિકાસ વર્ણવવા જેવો તે મહાન પ્રયાસ છે.

ભારતવર્ષમાં પુણ્યાત્માઓનાં પુણ્યવચનો અનાદિ કાળથી ચાલતાં આવે છે; પરંતુ માત્ર સંસ્કારી પુરૂષોજ તેમનું શ્રવણ કરે છે અને તેને લક્ષ્યમાં લે છે. અધ્યાત્મ તત્વ પરમ ગુહ્ય હોઈને તે મન ઇંદ્રિયથી અગોચર છે, જે મનુષ્ય અવિદ્યાનું સર્વવ્યાપી આવરણ તોડી આત્મદર્શન કરી અન્યને કરાવી શકે, તે કેટલો ઉચ્ચ